ઉજ્જવલા યોજનામાં માત્ર 4 સબસિડીવાળા સિલિન્ડર મળશે:અત્યાર સુધી 9 સિલિન્ડર મળતા હતા, આંતરરાષ્ટ્રીય બજારમાં LPGના ભાવમાં 46% સુધીના વધારાની અસર
1 hour ago
ઉજ્જ્વલા યોજના (PMUY)ના લાભાર્થીઓને સબસિડીવાળા LPG સિલિન્ડર હવે વર્ષમાં 9ને બદલે માત્ર 4 જ મળશે. પેટ્રોલિયમ મંત્રાલયે સોમવારે આ માહિતી આપી. મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે LPGની કિંમતોમાં સતત થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. યુદ્ધના કારણે LPG 46% સુધી મોંઘી થઈ ગઈ છે. ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓને હાલમાં દરેક સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી મળે છે. દિલ્હીમાં 14.2 કિલોવાળા ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત 942 રૂપિયા છે. આવા કિસ્સામાં, ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓને એક સિલિન્ડર 642 રૂપિયામાં મળે છે. પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના 2016માં શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત ગરીબ પરિવારોની મહિલાઓને મફત LPG કનેક્શન આપવામાં આવ્યું હતું. શરૂઆતમાં લાભાર્થીઓને વર્ષમાં 12 સબસિડીવાળા સિલિન્ડર મળતા હતા. ગયા વર્ષે આ સંખ્યા ઘટાડીને 9 કરવામાં આવી હતી અને હવે તેને 4 કરવામાં આવી છે. દુનિયામાં સૌથી સસ્તી રસોઈ ગેસ ભારતમાં મળી રહી છે આ દરમિયાન સરકારનું કહેવું છે કે દુનિયાભરમાં ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવમાં વધઘટ વચ્ચે ભારતીય પરિવારોને સૌથી સસ્તી રસોઈ ગેસ મળી રહી છે. ભારતમાં ઘરેલું એલપીજી (LPG) સિલિન્ડરની કિંમત પડોશી દેશો અને અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા એડવાન્સ અર્થતંત્રોની સરખામણીમાં ખૂબ ઓછી છે. વર્તમાનમાં આંતરરાષ્ટ્રીય બજારમાં વધતા ખર્ચનો બોજ સરકાર પોતે ઉઠાવી રહી છે અને તેને સામાન્ય ગ્રાહકો પર પાસ-ઓન થવા દેવામાં આવ્યો નથી. ઉજ્જવલા લાભાર્થીઓને 642 રૂપિયામાં સિલિન્ડર મળી રહ્યું છે ભારતમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતો આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડાયેલી છે. આમ છતાં, સરકાર ઘરેલુ એલપીજીની કિંમતોને નિયંત્રિત રાખે છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY)ના લાભાર્થીઓને દર વર્ષે રિફિલિંગ પર પ્રતિ સિલિન્ડર 300 રૂપિયાની વધારાની સબસિડી સીધા બેંક ખાતામાં મળે છે. આ છૂટ વર્ષના પહેલા 4 સિલિન્ડર પર લાગુ પડે છે, જેનાથી તેમને એક સિલિન્ડર અસરકારક રીતે 642 રૂપિયામાં પડે છે. ભારતમાં 10.58 કરોડથી વધુ ઉજ્જવલા કનેક્શન છે. જાણો કયા દેશમાં કેટલામાં મળે છે સિલિન્ડર નોંધ: 14.2 કિલોગ્રામના આધારે સરખામણી કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય બજારની સરખામણીમાં ભારતનો ઉજ્જ્વલા સિલિન્ડર લગભગ 60% ડિસ્કાઉન્ટ અને સામાન્ય ઘરેલું સિલિન્ડર લગભગ 45% ડિસ્કાઉન્ટ પર મળે છે. હોટલ-રેસ્ટોરન્ટ માટે કોમર્શિયલ સિલિન્ડર ₹3,113.50નો થયો હોટલ અને બિઝનેસમાં ઉપયોગમાં લેવાતા કોમર્શિયલ સિલિન્ડરની કિંમતો દર મહિને આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્કના આધારે આપમેળે બદલાય છે. પશ્ચિમ એશિયા સંકટ દરમિયાન 5 વખત ભાવ વધ્યા પછી દિલ્હીમાં 19 કિલોગ્રામનો કોમર્શિયલ સિલિન્ડર 3,113.50 રૂપિયા (લગભગ 164 રૂપિયા પ્રતિ કિલોગ્રામ)માં વેચાઈ રહ્યો છે. તેની સરખામણીમાં ઘરેલું ગ્રાહકો માત્ર 66 રૂપિયા પ્રતિ કિલોગ્રામના દરે ચૂકવણી કરી રહ્યા છે. મિડલ ઈસ્ટ તણાવથી સાઉદી એલપીજી બેન્ચમાર્ક 46% મોંઘો થયો ભારત તેની એલપીજી જરૂરિયાતોનો 60% હિસ્સો આયાત કરે છે. તેની લેન્ડેડ કોસ્ટ સાઉદી કોન્ટ્રાક્ટ પ્રાઈસ (CP)થી નક્કી થાય છે, જેને સાઉદી અરામકો દર મહિનાની શરૂઆતમાં નક્કી કરે છે. પશ્ચિમ એશિયામાં આવેલા અવરોધો અને ફેબ્રુઆરીના અંતમાં હોર્મુઝ સ્ટ્રેટ બંધ થયા પછી ગેસની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. ફેબ્રુઆરીમાં જે સાઉદી સીપી બેન્ચમાર્ક 542.50 ડોલર પ્રતિ ટન પર હતો, તે એપ્રિલમાં વધીને 775 ડોલર અને જૂન 2026માં 790 ડોલર પ્રતિ ટન પર પહોંચી ગયો છે. આ રીતે ફેબ્રુઆરીની સરખામણીમાં જૂન સુધીમાં એલપીજી બેન્ચમાર્કમાં લગભગ 46%નો વધારો નોંધાયો છે, જેમાં પ્રોપેન 39% અને બ્યુટેન 52% મોંઘા થયા છે. હોર્મુઝ રૂટ બંધ થયા પછી પણ ભારતે સપ્લાય ચાલુ રાખી દુનિયાના લગભગ એક તૃતીયાંશ તેલ અને ભારતની 54% એલપીજીની આયાત હોર્મુઝ સ્ટ્રેટના માર્ગે જ થાય છે. આ માર્ગ પર સંઘર્ષને કારણે જ્યાં મોટાભાગનો કોમર્શિયલ ટ્રાફિક અટકી ગયો, ત્યાં ભારતે તાલમેલ દ્વારા પોતાના જહાજોની અવરજવર ચાલુ રાખી. ભારતીય ધ્વજવાળા ટેન્કરો સતત આ રસ્તેથી ક્રૂડ ઓઇલ અને એલપીજીનો જથ્થો લઈને ભારતીય બંદરો સુધી પહોંચ્યા, જેનાથી દેશમાં કોઈપણ પેટ્રોલિયમ પ્રોડક્ટની અછત ન થઈ. ઘરેલું ઉત્પાદન 60% વધાર્યું, અમેરિકા-કેનેડાથી ખરીદી શરૂ કરી સપ્લાયને સુરક્ષિત રાખવા માટે ભારતે ઘરેલું એલપીજી ઉત્પાદનને 60%થી વધુ વધારીને લગભગ 32 TMT (ટીએમટી)થી 52 TMT સુધી પહોંચાડી દીધું. આ સાથે જ હોર્મુઝ રૂટની બહારના દેશો જેવા કે અમેરિકા, કેનેડા અને અલ્જીરિયાથી પણ ગેસની ખરીદી શરૂ કરવામાં આવી. ઉપલબ્ધ ગેસની સપ્લાયમાં ઘરોની સાથે હોસ્પિટલો અને શિક્ષણ સંસ્થાઓ જેવા પ્રાથમિકતા ધરાવતા વપરાશકર્તાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું. બીજી તરફ, માંગના દબાણને ઘટાડવા માટે ગ્રાહકોને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)નો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ઘરેલું ગેસની કોમર્શિયલ માર્કેટમાં ચોરી રોકવા માટે OTP આધારિત ડિલિવરી વેરિફિકેશનને 90% સુધી વધારી દેવામાં આવ્યું છે. LPG પહેલાં પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવ પણ વધ્યા છેલ્લા કેટલાક અઠવાડિયામાં પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવ પણ વધ્યા છે. મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો કુલ મળીને ₹7.50 પ્રતિ લિટર વધી છે, જ્યારે CNG લગભગ ₹6 પ્રતિ કિલો મોંઘી થઈ છે. કંપનીઓને પેટ્રોલ પર લગભગ ₹11 પ્રતિ લિટર અને ડીઝલ પર ₹33.6 પ્રતિ લિટરનું નુકસાન થઈ રહ્યું છે. આમ છતાં, કંપનીઓનો દાવો છે કે પેટ્રોલ-ડીઝલ હજુ પણ પડતર કિંમત કરતાં ઓછી કિંમતે વેચાઈ રહ્યા છે. સરકારનું કહેવું છે કે વૈશ્વિક કિંમતોમાં થયેલા સંપૂર્ણ વધારાનો બોજ ગ્રાહકો પર નાખવામાં આવ્યો નથી. ક્રૂડ ઓઇલ મોંઘું થવાનો અમુક બોજ સરકારી તેલ કંપનીઓ પોતે ઉઠાવી રહી છે. LPG ગેસ સિલિન્ડરની કિંમત કેવી રીતે નક્કી થાય છે
Click here to Read more



