Jammu Kashmir : રાજૌરીમાં આતંકીઓ વિરૂદ્ધ સર્ચ ઓપરેશન દરમિયાન લેફ્ટનન્ટ શહીદ
3 hours from now
જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી 'ઓપરેશન શેરુવાલી' દરમિયાન ભારતીય સેનાના એક યુવા અધિકારી શહીદ થયા છે. રાજૌરી જિલ્લામાં સર્ચ ઓપરેશન દરમિયાન લેફ્ટનન્ટ બીરેશ્વર ગોસ્વામી ઊંચા પહાડની ચોટી પરથી લપસી જતા ઊંડી ખીણમાં પડી જતા તેમનું કરુણ નિધન થયું. ‘સર્ચ એન્ડ ડિસ્ટ્રોય’ પ્રકારનું મિશન છે આ ઓપરેશન છેલ્લા 16 દિવસથી સતત ચાલી રહ્યું છે અને ‘સર્ચ એન્ડ ડિસ્ટ્રોય’ પ્રકારનું મિશન છે. સેનાના વ્હાઈટ નાઈટ કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) એ લેફ્ટનન્ટ ગોસ્વામીના શહીદી પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે કઠિન ભૂપ્રદેશ, ઊંચા પહાડો અને ખરાબ હવામાન વચ્ચે ફરજ બજાવતા સમયે તેમણે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોવાની ગુપ્ત માહિતી હતી મળતી માહિતી મુજબ, આ વિસ્તારના ડોરીમાલ-ગંભીર મુઘલાન જંગલ વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોવાની ગુપ્ત માહિતી બાદ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ આતંકવાદીઓમાં એક ટોપ કમાન્ડર પણ સામેલ હોવાનું માનવામાં આવે છે, અને તેમનો કોડનેમ ‘ફૌજી’ જણાવવામાં આવ્યો છે. સેના, પેરામિલિટરી દળો અને અન્ય સુરક્ષા એજન્સીઓ છેલ્લા બે અઠવાડિયાથી આ વિસ્તારના જંગલો, ખડકાળ ઢાળ અને ખરાબ હવામાન વચ્ચે સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ડ્રોન અને ટ્રેકર ડોગ્સની મદદથી પણ તપાસ કરવામાં આવી રહી છે. સેનામાં શોકની લાગણી ઘટનાના દિવસે લેફ્ટનન્ટ ગોસ્વામી સંકડી પહાડી ચોટી પર સર્ચ પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા હતા, ત્યારે તેમનો પગ લપસી જતા તેઓ ખીણમાં પડી ગયા હતા. તાત્કાલિક બચાવ પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં ગંભીર ઈજાઓના કારણે તેમનું મૃત્યુ થયું. આજે તેમનો પાર્થિવ દેહ જમ્મુ એરફોર્સ સ્ટેશન પર લાવવામાં આવશે, જ્યાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે અને બાદમાં પરિવારજનોને સોંપવામાં આવશે. સમગ્ર ઘટનાએ સેનામાં શોકની લાગણી ફેલાવી છે અને તેમના શૌર્યને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ પણ વાંચો : કોણ છે IAS અધિકારી ? જેણે વૃદ્ધ પિતાની સંભાળ ન રાખનાર ત્રણેય પુત્રોને કર્યા જેલભેગા!
Click here to Read more