ઇથેનોલવાળા પેટ્રોલ પર કોઈ એક્સાઇઝ ડ્યુટી નહીં:22% થી 30% ભેળવવાથી ટેક્સ નહીં લાગે, સરકારની ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ ઘટાડવાની તૈયારી
1 hour ago
કેન્દ્ર સરકાર 22% થી લઈને 30% સુધી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર કોઈ એક્સાઈઝ ડ્યુટી લાગુ કરશે નહીં. E20, એટલે કે 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર કોઈ રાહત આપવામાં આવી નથી. કેન્દ્ર સરકારે દેશમાં ક્રૂડ ઓઈલ, એટલે કે કાચા તેલની આયાત ઘટાડવા અને સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ભર્યું છે. ચાલો સરળ પ્રશ્ન-જવાબમાં સમજીએ કે સરકારના આ નિર્ણયનો અર્થ શું છે અને તેનાથી સામાન્ય માણસ અને દેશને શું ફાયદો થશે. પ્રશ્ન 1: સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને લઈને કયું નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે? જવાબ: ભારત સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને પેટ્રોલમાં હાઈ લેવલ ઇથેનોલ મિશ્રણને એક્સાઈઝ ડ્યુટીમાંથી મુક્ત કર્યું છે. આ અંતર્ગત, જે પેટ્રોલમાં 22% થી લઈને 30% સુધી ઇથેનોલ મિશ્રિત હશે, તેના પર કોઈ એક્સાઈઝ ડ્યુટી લાગુ પડશે નહીં. આ ટેક્સ છૂટના દાયરામાં પેટ્રોલના ચાર નવા વેરિઅન્ટ્સ- E22, E25, E27 અને E30 નો સમાવેશ થશે. આ પહેલીવાર છે જ્યારે સરકારે E20થી ઉપરના બ્લેન્ડ્સ માટે આટલો મોટો નાણાકીય સહાય, એટલે કે ફિસ્કલ ઇન્સેન્ટિવ આપવાની જાહેરાત કરી છે. પ્રશ્ન 2 : શું હોય છે ઇથેનોલ? જવાબ: ઇથેનોલ એક પ્રકારનો આલ્કોહોલ છે, જે સ્ટાર્ચ અને સુગરના ફર્મેન્ટેશનથી બનાવવામાં આવે છે. તેને પેટ્રોલ ભેળવીને ગાડીઓમાં ઇકો-ફ્રેન્ડલી ફ્યુઅલ તરીકે ઉપયોગમાં લેવાય છે. ઇથેનોલનું ઉત્પાદન મુખ્યત્વે શેરડીના રસમાંથી થાય છે, પરંતુ સ્ટાર્ચ ધરાવતી સામગ્રીઓ જેવી કે મકાઈ, સડેલા બટાકા, કસાવા અને સડેલા શાકભાજીમાંથી પણ ઇથેનોલ તૈયાર કરી શકાય છે. પ્રશ્ન 3: સરકારના આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ શું છે? જવાબ: ભારત તેની જરૂરિયાતનો લગભગ 87% વિદેશોમાંથી આયાત કરે છે. વિદેશી તેલ પર દેશની નિર્ભરતા ઘટાડવા અને ઘરેલું સ્તરે બનતી પ્રદૂષણ-મુક્ત ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટેક્સ છૂટથી તેલ કંપનીઓ પેટ્રોલિયમમાં 20%થી વધુ ઇથેનોલ ભેળવવા માટે પ્રેરિત થશે, જેનાથી દેશના પૈસા બહાર જતા બચશે. પ્રશ્ન 4: શું સરકાર પાસે નવા વેરિઅન્ટ્સ- E22 થી E30 માટે કોઈ ટેક્નીકલી માળખું તૈયાર છે? જવાબ: હા, સરકારે તેની સંપૂર્ણ તૈયારી પહેલેથી જ કરી લીધી છે. થોડા અઠવાડિયા પહેલા જ ભારતીય માનક બ્યુરો (BIS) એ સત્તાવાર રીતે E22, E25, E27 અને E30 પેટ્રોલ બ્લેન્ડ્સ માટે ફ્યુઅલ-ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ (ઇંધણની ગુણવત્તાના ધોરણો) સૂચિત કર્યા હતા. IS 19850:2026 હેઠળ આ ધોરણો 15 મે, 2026થી લાગુ થઈ ચૂક્યા છે. તેમાં ઇથેનોલની માત્રા, ઓક્ટેન રેટિંગ, સલ્ફરની મર્યાદા, ટેસ્ટિંગ પ્રક્રિયા અને સલામતી નિયમો નક્કી કરવામાં આવ્યા છે. હવે ટેક્સ છૂટ મળવાથી તકનીકી અને નાણાકીય બંને પ્રકારના રસ્તાઓ સાફ થઈ ગયા છે. પ્રશ્ન 5: ભારતમાં હાલમાં ઇથેનોલ બ્લેન્ડિંગની શું સ્થિતિ છે, શું આપણે લક્ષ્યની નજીક છીએ? જવાબ: ભારતનો ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ નિર્ધારિત સમય કરતાં ઘણી ઝડપથી આગળ વધ્યો છે. નેશનલ પોલિસી ઓન બાયોફ્યુઅલ્સ (2018)માં સુધારો કરીને પેટ્રોલ સાથે 20% ઇથેનોલ મિશ્રણ (E20)નો લક્ષ્યાંક અગાઉ 2030 રાખવામાં આવ્યો હતો, જેને પાછળથી ઘટાડીને ઇથેનોલ સપ્લાય યર (ESY) 2025-26 કરવામાં આવ્યો. સરકારી તેલ કંપનીઓએ જૂન 2022 માં જ સમય કરતાં 5 મહિના વહેલા 10% બ્લેન્ડિંગનો લક્ષ્યાંક પુરો કરી લીધો હતો. પ્રશ્ન 5: વાહનોના એન્જિન અને પર્ફોર્મન્સ પર ઇથેનોલની અસરને લઈને શું વિવાદ રહ્યો છે? જવાબ: જેમ જેમ દેશભરમાં E20 ફ્યુઅલ મળવાનું શરૂ થયું, કેટલાક વાહન માલિકોએ એન્જિનની ક્ષમતા, માઇલેજ અને વાહનોના જૂના પાર્ટ્સના બગડવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. જોકે, સપ્ટેમ્બર 2025 માં સુપ્રીમ કોર્ટે દેશભરમાં E20 ફ્યુઅલ લાગુ કરવા સામે કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી. કોર્ટમાં સરકારે દલીલ કરી હતી કે આ બદલાવ સંપૂર્ણપણે તપાસ કર્યા પછી અને શેરડીના ખેડૂતોના આર્થિક ફાયદાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. સરકારે ઇથેનોલ વગરના (શુદ્ધ) પેટ્રોલનો સમાંતર પુરવઠો ચાલુ રાખવાની માંગને પણ ફગાવી દીધી હતી. પ્રશ્ન 7: શું ઇથેનોલ મિક્સ થવાથી ગાડીઓની માઇલેજ ઓછી થઈ જાય છે? ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીનું શું કહેવું છે? જવાબ: આ અંગે ઓટોમોબાઇલ ઉત્પાદકોની સંસ્થા 'સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ' (SIAM) એ સ્થિતિ સ્પષ્ટ કરી હતી. SIAM મુજબ કેટલીક જૂની ગાડીઓમાં E20 ઇંધણના ઉપયોગથી માઇલેજમાં નજીવો ઘટાડો આવી શકે છે, પરંતુ તેનાથી ગાડીની સુરક્ષાને કોઈ ખતરો નથી. પ્રશ્ન 8: સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ઇથેનોલ સસ્તું હોય છે, તો શું બ્લેન્ડેડ પેટ્રોલની કિંમત ઓછી થશે? જવાબ: સરકારી આંકડા મુજબ, ઇથેનોલ કંપનીઓ પાસેથી ખરીદવું રિફાઇન્ડ પેટ્રોલ કરતાં સસ્તું નથી પડી રહ્યું. ગયા વર્ષે પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું હતું કે ઇથેનોલની સરેરાશ ખરીદ કિંમત (વેઇટેડ એવરેજ પ્રોક્યોરમેન્ટ કોસ્ટ) રિફાઇન્ડ પેટ્રોલની કિંમત કરતાં વધી ગઈ છે. 31 જુલાઈ, 2025 સુધીમાં, ટ્રાન્સપોર્ટેશન અને GST સહિત કંપનીઓને ઇથેનોલની સરેરાશ ખરીદ કિંમત પ્રતિ લિટર 71.32 રૂપિયા પડી રહી હતી. આ જ કારણ છે કે પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધવા છતાં રિટેલ પ્રાઇસ (છૂટક કિંમત) ઘટાડવી હાલમાં જટિલ બની રહી છે.
Click here to Read more

