Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Editor's View: આતંકનો કાળ સીક્રેટ કિલર્સ:પાકિસ્તાનમાં આકાઓ થથર્યા, એક-એકનો વીણીવીણીને સફાયો, હમઝાના ખાત્મા અને PoKમાં બદલાતી ગેમની ખૌફનાક કહાની

    3 weeks ago

    1

    0

    આજે એ વાતનું એનાલિસિસ કરીશું જે આખા દેશના કાળજામાં ટાઢક અપાવી દેશે. આજનો દિવસ ભારતની આતંકવાદ સામેની લડાઈમાં બહુ મોટો વળાંક છે. આવું એટલા માટે કારણ કે આતંકવાદીઓના ગઢ પાકિસ્તાનના ભારત પાસેથી પડાવેલા PoK વિસ્તારમાંથી ધોળા દિવસે પુલવામા હુમલાના આતંકવાદી હમઝા બુરહાનને પતાવી દેવામાં આવ્યો છે. પણ સવાલ છે કે તેને પતાવનાર જેમ્સ બોન્ડ ખરેખર છે કોણ? કારણ કે ટપોટપ આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવી રહ્યો છે. એક સમયે જે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર આતંકવાદીઓનું સેફ હેવન હતું ત્યાં હવે ગેમ બદલાઈ રહી છે. અને કાશ્મીરમાં વિકાસ અને શાંતિના ઝંડા લહેરાઈ રહ્યા છે. નમસ્કાર... પીઓકેનું મેઈન સેન્ટર ગણાતા મુઝફ્ફરાબાદના ગોજરા વિસ્તારમાં ધોળા દિવસે પુલવામા હુમલામાં લોજિસ્ટિક્સનું પ્લાનિંગ કરનાર આતંકવાદી હમઝા બુરહાન, જેનું અસલી નામ અર્જુમંદ ગુલઝાર ડાર હતું તેને માથામાં ત્રણ ગોળીઓ મારીને પતાવી દેવામાં આવ્યો છે. આ એ જ માણસ છે જેણે પુલવામામાં આપણા CRPFના જવાનોના કાફલા પર હુમલો કરાવ્યો હતો. પુલવામાઃ દેશનો ક્યારેય ન ભુલાતો આક્રોશ તમને યાદ જ હશે એ ગોઝારી બપોર. જમ્મુ-શ્રીનગર હાઈવે પર આપણા જવાનોની બસ જઈ રહી હતી. ત્યારે જૈશ-એ-મોહમ્મદનો એક આત્મઘાતી હુમલાખોર આદિલ અહમદ ડાર RDX ભરેલી કાર લઈને બસ સાથે અથડાઈ ગયો. એ ધડાકો એટલો ભયંકર હતો કે આપણા 40 વીર જવાનોએ ત્યાં જ શહીદી વહોરી લીધી. આ ખાલી એક આંકડો ન હતો, આખા દેશની આંખોમાંથી આંસુ વહેતા હતા. દરેક ભારતીયના મનમાં બસ એક જ આગ હતી કે ગમે તેમ કરીને આનો બદલો લેવો છે. ભારતે બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ તો આપ્યો જ હતો, પણ આ કાવતરાનું મુખ્ય ભેજું હજી જીવતો હતો. સાત વર્ષનો લાંબો અને પીડાદાયક સમય વીતી ગયો. શહીદોના પરિવારો રોજ ન્યાયની રાહ જોતા હતા. અને આખરે એ ન્યાયનો દિવસ આવી ગયો. મુઝફ્ફરાબાદમાં ધોળા દિવસે કેવી રીતે થયો શિકાર? આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાન આતંકવાદીઓને પોતાના જમાઈની જેમ સાચવે છે. હમઝા બુરહાન પણ મુઝફ્ફરાબાદમાં એકદમ VIP જિંદગી જીવતો હતો. તે કોઈ આતંકવાદી તરીકે નહીં, પણ એક મોટી સ્કૂલના પ્રિન્સિપાલ બનીને ફરતો હતો. કોઈને શક પણ ન જાય એવો પાક્કો વેશ તેણે લીધો હતો. પણ કહેવાય છે ને કે પાપનો ઘડો ભરાય એટલે ફૂટે જ. અહેવાલો મુજબ, આ સ્કૂલની બહાર જ મોટરસાઇકલ પર કેટલાક અજાણ્યા લોકો આવ્યા. કોઈ કંઈ સમજે તે પહેલાં જ, તેમણે હમઝાના માથામાં સીધી ત્રણ ગોળીઓ ધરબી દીધી. ઘટનાસ્થળે જ એ ઢળી પડ્યો અને કૂતરાની મોતે માર્યો ગયો. ત્યાંના સ્થાનિક લોકોએ આના વીડિયો પણ બનાવી લીધા અને થોડી જ વારમાં આખી દુનિયામાં ખબર પડી ગઈ કે પુલવામાનો ગુનેગાર હવે કાયમ માટે ખતમ થઈ ચૂક્યો છે. અહીં એક વસ્તુ જોવા જેવી એ છે કે હમઝા કેમ મર્યો એ તો બધાને ખબર પડી ગઈ પણ કયો જેમ્સ બોન્ડ તેને મારીને જતું રહ્યું તે એક મોટો સવાલ બનીને સામે આવે છે. ટૂંકમાં તેને મારનાર જેમ્સ બોન્ડ કોણ છે? આતંકી હમઝા બુરહાન ઉર્ફે ડોક્ટરની આતંકી કુંડળી હવે સવાલ એ થાય કે આ હમઝા બુરહાન હતો કોણ અને કેવી રીતે આટલો મોટો માસ્ટરમાઇન્ડ બની ગયો? આ કોઈ અભણ માણસ ન હતો. એ બહુ હોંશિયાર અને ચાલાક માણસ હતો. પાકિસ્તાન પહોંચીને તે સીધો ત્યાંની ગુપ્તચર એજન્સી ISIનો ખાસ માણસ બની ગયો હતો. કહેવાય છે કે નાની ઉંમરમાં જ તેને આધુનિક હથિયારો અને પ્લાનિંગ કરવાનું બહુ સારું નોલેજ હતું. પુલવામાના પ્લાનિંગમાં હમઝાએ શું રોલ? પુલવામાનો હુમલો રાતોરાત નહોતો થયો. મહિનાઓ સુધી આનું પાક્કું પ્લાનિંગ ચાલ્યું હતું, અને આ આખા કાવતરાનું મુખ્ય મગજ આ હમઝા જ હતો. આપણા સુરક્ષા દળોએ જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે હમઝાએ જ સરહદ પારથી પેલું ખતરનાક RDX અને બીજા વિસ્ફોટકો કાશ્મીરમાં ઘુસાડ્યા હતા. ચાલો આખી વાતની ક્રોનોલોજી સમજીએ: તેણે જ આ બધું સેટિંગ કરીને વિસ્ફોટકો આદિલ અહમદ ડાર સુધી પહોંચાડ્યા હતા. ખાલી આટલું જ નહીં, 2020માં પણ તેણે CRPFના બંકર પર ભયાનક બોમ્બ ફેંકાવ્યા હતા. જ્યારે આપણી એજન્સીઓ તેને પકડવા માટે પાછળ પડી, ત્યારે તે પોતાના મળતિયાઓની મદદથી સરહદ પાર કરીને પાકિસ્તાન ભાગી ગયો હતો. કહેવાય છે કે ત્યાં સુધી પહોંચવામાં તેને ISI અને સ્થાનિક લોકોએ ઘણી મદદ કરી હતી. હમઝા બુરહાન ભારતીય ચોપડે ‘આતંકવાદી’ ભારત સરકારે નક્કી કરી લીધું હતું કે આતંકવાદીઓને માત્ર બંદૂકની ગોળીથી જ નહીં, પણ કાયદાના હથિયારથી પણ મારવાના છે. એપ્રિલ 2022માં ભારતના ગૃહ મંત્રાલયે એક બહુ મોટો નિર્ણય લીધો. તેમણે હમઝા બુરહાનને અનલૉફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ એટલે કે UAPAમાં ઓફિશિયલી રીતે આતંકવાદી જાહેર કરી દીધો. આ કોઈ નાની વાત નહોતી. ચાલો સમજીએ કે આ કાયદો કેવી રીતે કામ કરે છે: આ સુધારા પછી ભારત સરકારે અનેક આતંક ફેલાવનારાઓને UAPAમાં ઓફિશિયલી રીતે આતંકવાદી જાહેર કર્યાં જે લિસ્ટમાં હમઝા બુરહાન 38મો નંબર બની ગયો. આ કાયદાની પ્રક્રિયા કેવી હોય છે? હમઝા આતંકી હોવાના ભારત સરકાર પાસે કયા પુરાવા? સરકારે હમઝાને એમ જ આતંકવાદી નહોતો જાહેર કર્યો. આપણી પાસે પાક્કા પુરાવા હતા: PoKમાં આતંકવાદનું ષડયંત્ર અને સ્થાનિક લોકોનો ગુસ્સો હમઝા બુરહાન PoKના મુઝફ્ફરાબાદમાં છુપાયેલો હતો. PoK ભારતનો વિસ્તાર છે પણ પાકિસ્તાને 1947માં સેના અને ત્યાંના આદિવાસીઓ સાથે મળીને અહીં હુમલો કરી દીધો હતો અને આપણા ભારતના અમુક વિસ્તાર પર કબજો કરી લીધો હતો. આજે તેને જ PoK કહેવામાં આવે છે. આ વિસ્તાર લાંબા સમયથી ભારત વિરોધી આતંકવાદીઓ માટે ટ્રેનિંગ કેમ્પ અને લોન્ચપેડ રહ્યો છે. અહીં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, અને અલ-બદર જેવા સંગઠનો પાકિસ્તાન સેનાના આશરા હેઠળ ખુલ્લેઆમ કામ કરે છે. ISIએ હમઝાને છુપાવવા માટે મદદ કરી? પણ પીઓકેના લોકોનું શું? શું તેઓ પાકિસ્તાનને પ્રેમ કરે છે? જવાબ છે ના. આજે પીઓકેના લોકો પાકિસ્તાન સરકાર, આર્મી અને ISIથી સખત નફરત કરે છે. 2024 અને 2025માં PoKમાં લોકોએ બહુ મોટા અને હિંસક આંદોલનો કર્યા હતા. આ આંદોલનો કેમ થયા? આ બધું જોઈને પીઓકેની જનતા પાકિસ્તાનથી બહુ ગુસ્સે છે. બીજી બાજુ, ભારતના કાશ્મીરમાં થતો વિકાસ જોઈને તેઓ ભારત પ્રત્યે આકર્ષિત થયા છે. તેમને સમજાઈ ગયું છે કે પાકિસ્તાને માત્ર આતંકવાદ જ આપ્યો છે, શાંતિ કે રોજગાર નહીં. એટલે જ હવે સ્થાનિક લોકો આતંકવાદીઓને પહેલાં જેવો સપોર્ટ નથી કરતા. હમઝાના ખાત્મામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની એન્ટ્રી તમે વિચારતા હશો કે આ હમઝા બુરહાન જેવા મોટા આતંકવાદીને માર્યો કોણે? અહીં જ આ આખી વાર્તામાં એક બહુ મોટો અને ફિલ્મી વળાંક આવે છે. હમઝાની હત્યા પછી સોશિયલ મીડિયા પર એવા મેસેજ અને પોસ્ટ ફરતા થઈ ગયા કે આ હત્યાની જવાબદારી ભારતની કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. આ કોઈ સામાન્ય સમાચાર નથી. જો ભારતનો કોઈ ગેંગસ્ટર પાકિસ્તાનની અંદર, અને તે પણ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIની છત્રછાયામાં રહેલા આતંકવાદીને પતાવી દે, તો તે અંડરવર્લ્ડ અને ઈન્ટરનેશનલ પોલિટિક્સના ઇતિહાસમાં એક બહુ મોટી ઘટના ગણાય. લોરેન્સ કોણ છે અને નેટવર્ક કેટલું મોટું છે? લોરેન્સ બિશ્નોઈનું અસલી નામ બલકરણ બ્રાર છે. તેનો જન્મ પંજાબના ફાઝિલ્કાના એક ખેડૂત પરિવારમાં 1993માં થયો હતો. અત્યારે તે ભારતમાં જેલના સળિયા પાછળ બંધ છે, પણ જેલમાંથી જ એનું આખું સામ્રાજ્ય બેરોકટોક ચાલે છે. તેની ગેંગ કોઈ ગલ્લી-મહોલ્લાના ગુંડાઓની ટોળી નથી. આ એક હાઇલી ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સિન્ડિકેટ છે. અમુક રિપોર્ટ્સનું માનીએ તો, આ ગેંગમાં 800 કરતાં પણ વધારે ખૂંખાર શાર્પશૂટર્સ છે. અને એમનું નેટવર્ક ખાલી પંજાબ કે મુંબઈ પૂરતું સીમિત નથી, પણ કેનેડા, અમેરિકા અને દુબઈ સુધી ફેલાયેલું છે. ગોલ્ડી બ્રાર, અનમોલ બિશ્નોઈ અને રોહિત ગોદારા જેવા તેના ખાસ માણસો વિદેશમાં બેસીને આખી ગેંગ ચલાવે છે. લોરેન્સ ગેંગે કેવા મોટા કાંડ કર્યા છે? પાકિસ્તાની આતંકવાદીને મારવાની જવાબદારી લોરેન્સે કેમ લીધી? પહેલા તો એક વાતની સ્પષ્ટતા કરી લઈએ કે આવું જ થયું છે તેની કોઈ સબૂતી નથી પણ આવું થયું હોય શકે તેનો અંદાજ જરૂર લગાવી શકાય. અત્યાર સુધીની ઘટનાઓના ડોટ્સ જોડીએ તો તેની પાછળ 3 મોટા કારણો આવે છે કે લોરેન્સે પાકિસ્તાની આતંકવાદીને પતાવ્યો હોય. જો કે આ કામ લોરેન્સનું નહીં અને કોઈ બીજાનું પણ હોઈ શકે અને લોરેન્સ માત્ર મહોરું પણ હોઈ શકે. ખૈર આપણે કારણોનું ઊંડું એનાલિસિસ કરીએ તો... દેશભક્ત ડોન બનવાનો જબરદસ્ત પ્રયાસ: અંડરવર્લ્ડના ઇતિહાસમાં આપણે જોયું છે કે દાઉદ ઇબ્રાહિમે ભારત સાથે ગદ્દારી કરીને પાકિસ્તાનનો સાથ આપ્યો. બની શકે કે લોરેન્સ આનાથી બિલકુલ ઊંધું કરવા માંગે છે. તે લોકોને એવું બતાવવા માંગે છે કે તે રાષ્ટ્રવાદી અને હિન્દુ ધર્મનો રક્ષક છે. તેનો ફોટો જુઓ તો કપાળે તિલક તમને દેખાશે જ. બની શકે કે લોરેન્સના માણસો સોશિયલ મીડિયા પર તેને દેશભક્ત બતાવે છે. પુલવામા હુમલો એ ભારતની દુઃખતી રગ છે. પુલવામાના માસ્ટરમાઇન્ડને મારીને લોરેન્સ લોકોની સહાનુભૂતિ મેળવવા માંગતો હોઈ શકે. એ સાબિત કરવા માંગે છે કે જે કામ કાયદો નથી કરતો, તે એની બંદૂક કરે છે. ડ્રગ્સ અને હથિયારોના ધંધામાં ગેંગ વોર: એવી કથિત વાતો છે કે લોરેન્સ ગેંગ પાકિસ્તાન બોર્ડર પરથી ડ્રગ્સ અને મોટા હથિયારો મંગાવવાનું બહુ મોટું નેટવર્ક ચલાવે છે. બીજી બાજુ, આ હમઝા બુરહાન પણ પીઓકેમાં બેસીને ડ્રગ્સ અને હથિયારોનો કાળો કારોબાર ચલાવતો હતો. પૂરી શક્યતા છે કે આ બંનેના ધંધા એકબીજા સાથે અથડાતા હોય. એટલે ધંધામાં પોતાનો દબદબો જાળવી રાખવા માટે લોરેન્સે આ કાંટો કાઢી નાખ્યો હોય એવું બની શકે. કરોડોની સોપારી અને લોકલ માફિયા સાથે સેટિંગ: એવું કહેવાય છે કે લોરેન્સ ગેંગ પાસે ખંડણીના અઢળક રૂપિયા છે. પાકિસ્તાનમાં પણ પૈસા માટે કોઈની પણ હત્યા કરવાવાળા શૂટર્સ આસાનીથી મળી જાય છે. એવું બની શકે કે વિદેશમાં બેઠેલા લોરેન્સના માણસોએ પાકિસ્તાનના કોઈ લોકલ શૂટર્સને મોટી રકમની સોપારી આપીને આ ગેમ પાડી દીધી હોય. આતંકીઓના ટપાટપ મોતનો મુદ્દો પાકિસ્તાન ઉઠાવે તો? બનવા માટે એવું બની શકે કે પાકિસ્તાન આવા મુદ્દાઓને ઈન્ટરનેશનલ લેવલે ઉઠાવી શકે. જો કે એ વાત અલગ છે કે દુનિયા આતંકવાદ સામે છે. પણ પાકિસ્તાન તો આતંકવાદ સાથે છે. તે વાંધો ઉઠાવી શકે કે અમારા નાગરિકો પર ધોળે દિવસે હુમલાઓ થઈ રહ્યા છે. અને પાડોશી દેશ આવું કરી રહ્યો છે. પણ ભારત પર અત્યારે તે આંગળી ઉઠાવી શકે તેવી જરા પણ શક્યતા નથી કારણ કે આ કામ તો ગેંગસ્ટર સિન્ડિકેટનું છે. ભારત સરકાર કે ભારતની જાસૂસી સંસ્થાના આ હત્યાઓ સાથે દૂર-દૂરના સંબંધો નથી એવો જવાબ ભારત ઈન્ટરનેશનલ લેવલે આપી શકે છે. અંગ્રેજીમાં આને પ્લોઝિબલ ડિનાયેબિલિટી કહેવામાં આવે છે. પાકિસ્તાનમાં આતંકવાદીઓની સિરિયલ કિલિંગની નવી પેટર્ન હમઝા બુરહાનનું મુઝફ્ફરાબાદમાં મરવું એ કોઈ એક જ છૂટીછવાઈ ઘટના નથી. જો તમે પાછલા બે-ત્રણ વર્ષના અહેવાલો પર નજર નાખશો, તો પાકિસ્તાનમાં એક પછી એક મોટા આતંકવાદીઓની વિકેટ પડી રહી છે. 2020થી લઈને અત્યાર સુધીમાં અંદાજે 20 જેટલા મોટા માથાઓને અજાણ્યા જેમ્સ બોન્ડે પતાવી દીધા છે. બની શકે કે આ જેમ્સ બોન્ડને પાકિસ્તાનનો સારો એવો અનુભવ હશે. પઠાણકોટ હુમલાના માસ્ટર માઈન્ડ શાહિદ લતીફ, અમીર હમઝા, મુહમ્મદ રિયાઝ જેવા અનેક ખૂંખાર આતંકીઓનો સફાયો થઈ ગયો છે. આની પડદા પાછળ એક બહુ મોટું ચિત્ર છુપાયેલું છે. પહેલા આતંકવાદીઓ એવું માનતા કે કાશ્મીરમાં કાંડ કરીને સરહદ પાર કરી પાકિસ્તાન ભાગી જઈશું, એટલે આખી જિંદગી જલસા કરીશું. પણ હવે આખી ગેમ બદલાઈ ગઈ છે. હવે તેમને મસ્જિદની બહાર, ઘરની બહાર કે રસ્તા વચ્ચે ધોળા દિવસે ગોળીઓ મારવામાં આવી રહી છે. આ હુમલાખોરો એટલા પ્રોફેશનલ છે કે સીધું ટાર્ગેટ જ ખતમ કરે છે. આનાથી લશ્કર-એ-તૈયબા અને જૈશના આતંકીઓમાં ભયંકર ફફડાટ અને ડર બેસી ગયો છે. પાકિસ્તાન પોતે જ આતંકીઓને મારી રહ્યું છે? તમે જ જરા વિચાર કરો, 24 કલાક હથિયારબંધ બોડીગાર્ડ્સ સાથે ફરતા આતંકીઓ ધોળા દિવસે મરી જાય, તો પાકિસ્તાનની જાસૂસી એજન્સી ISI શું કરી રહી છે? આ તેમની બહુ મોટી અને શરમજનક ઇન્ટેલિજન્સ નિષ્ફળતા છે. ડિફેન્સ એક્સપર્ટ્સ આના પર એક બીજી બહુ ઈન્ટ્રેસ્ટિંગ થિયરી પણ આપે છે, જેને પર્જ થિયરી એટલે કે સફાયો કહેવાય છે. એટલે એવી પણ પૂરી શક્યતા છે કે ISI પોતે જ પોતાના જૂના, નકામા થઈ ગયેલા અથવા બોજરૂપ આતંકવાદીઓનો છૂપી રીતે સફાયો કરાવી રહી હોય, જેથી ઈન્ટરનેશનલ પ્રેશનર અને સેન્કશન્સથી બચી શકાય. અને ભીખમાં મસમોટી લોન મળી શકે. આવું એટલા માટે કારણ કે હમઝાની હત્યાના મામલામાં પાકિસ્તાનના કાઉન્ટર ટેરેરિઝમ ડિપાર્ટમેન્ટે અબ્દુલ્લા કલામ નામના એક વ્યક્તિને હથિયાર સાથે પકડી લીધો છે અને પૂછપરછ શરૂ કરી છે. આતંકીઓ સામે ભારતનો કેવો રવૈયો? આપણા વિદેશ મંત્રાલયે પહેલેથી જ આખી દુનિયાને ચોખ્ખું કહી દીધું છે કે બીજા દેશમાં જઈને સિક્રેટલી હત્યાઓ કરાવવી એ ભારતની સરકારી નીતિ ક્યારેય નથી. જ્યારે વિદેશી અખબારોએ અફવાઓ ઉડાડી ત્યારે આપણા વિદેશ મંત્રી એસ. જયશંકરે આ તમામ દાવાઓને સદંતર ફગાવી દીધા હતા અને તેને ભારત-વિરોધી પ્રોપેગન્ડા ગણાવ્યો હતો. ભારત કાયદામાં વિશ્વાસ રાખે છે. સાત વર્ષ પહેલાં જે માસ્ટરમાઇન્ડે કાશ્મીરમાં આપણા જવાનોના લોહીની હોળી રમી હતી, તે આજે પોતાના સુરક્ષિત ગઢમાં જ કૂતરાની મોતે મર્યો છે. પાકિસ્તાને છેલ્લા 30 વર્ષથી જે આતંકવાદી સાપ પોતાના આંગણામાં પાળ્યા હતા, તે જ સાપ હવે ગેંગ વોર અને ડ્રગ્સના ખેલમાં તેમને જ ડંખ મારી રહ્યા છે. PoKની સામાન્ય જનતા પણ હવે આતંકીઓનો સાથ નથી આપતી; તેઓ ભ્રષ્ટાચારથી કંટાળીને રોટલી, રોજગાર અને શાંતિ માંગી રહ્યા છે.આતંકવાદને પોતાની ફેક્ટરી બનાવનાર પાકિસ્તાન આજે ખુદ પોતાના જ ખોદેલા ખાડામાં પડી રહ્યું છે. ભારત માટે આ પરિસ્થિતિ સ્ટ્રેટેજિક રીતે એક બહુ મોટી અને સાયકોલોજિકલ જીત છે. અને છેલ્લે... 14 ફેબ્રુઆરી 2019ના દિવસે પુલવામા એટેક થયો હતો જેના ઠીક 18 દિવસ પછી 4 માર્ચ 2019ના પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતની ધરતી પરથી કહ્યું હતું કે... ઘર મેં ઘૂસ કે મારેંગે… અત્યારે પાકિસ્તાનમાં જેમ્સ બોન્ડનું ઓપરેશન અનનોન ચાલી રહ્યું છે. કોઈ ઘરમાં મરે છે, કોઈ મસ્જિદમાં કોઈ રસ્તા પર તો કોઈ ધોળા દિવસે. ટપોટપ આતંકીઓના મોત થઈ રહ્યા છે પણ કેવી રીતે અને કોણ કરી રહ્યું છે તે કોઈને ખબર નથી. એટલે જ આકાઓ પણ ફફડી ગયા છે કે, કાલે કોઈ તેમનો દરવાજો ખખડાવી ન જાય. સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ- સમીર પરમાર)
    Click here to Read more
    Prev Article
    Activision shareholders reach $250 million settlement over Microsoft buyout
    Next Article
    IPL 2026 SRH vs RCB Live Score: 14 ઓવર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનો સ્કોર ત્રણ વિકેટના નુકસાન સાથે 139 રન

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment