Editor's View: PoKમાં કત્લેઆમ:મુનીરસેનાએ લોહીની નદીઓ વહાવી, અફઘાનિસ્તાનમાં પણ નિર્દોષો પર બર્બરતા, ભારતે UNમાં પાકિસ્તાનનાં પાખંડનો ભાંડો ફોડ્યો
3 hours ago
આજે આપણે એક એવા પાડોશીની વાત કરવાની છે, જેની હાલત અત્યારે સાવ કફોડી થઈ ગઈ છે. તમે આતંકવાદનો ભસ્માસુર શબ્દ તો સાંભળ્યો જ હશે ને? બસ, અત્યારે આ શબ્દ બરાબર તેના પર ફિટ બેસી રહ્યો છે. વાત કરવી છે પાકિસ્તાનની. જે સાપને પાકિસ્તાને વર્ષો સુધી દૂધ પીવડાવ્યું, તે જ સાપ આજે તેને ડંખ મારી રહ્યો છે. વર્ષ 2026ના આ પહેલા છ મહિના પાકિસ્તાન માટે એક ખરાબ સપના જેવા રહ્યા છે. દુનિયાભરના મોટા મોટા મંચો પર જઈને કાશ્મીરના નામે ખોટા આંસુ સારતું પાકિસ્તાન આજે ખુલ્લું પડી ગયું છે. એકબાજુ એના પોતાના જ ઘરમાં આતંકવાદીઓ ઘૂસીને બોમ્બ ફોડી રહ્યા છે, તો બીજી બાજુ એની જ સેના અફઘાનિસ્તાનના નિર્દોષ બાળકો પર રાતના અંધારામાં બોમ્બમારો કરી રહી છે. અને આટલું ઓછું હોય તેમ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે PoKમાં પણ લોકો હવે પાકિસ્તાન સરકાર અને આર્મી સામે રસ્તા પર ઉતરી આવ્યા છે. પીઓકે એટેલ ભારતનો જ પાકિસ્તાને પડાવેલો ભાગ, જ્યાં કોઈ ગરબડ થાય તો ભારત હકથી પોતાનો અવાજ ઉઠાવી શકે અને એવું થયું પણ. પણ પીઓકે અને અફઘાનિસ્તાનમાં કેવી બર્બરતા પાકિસ્તાન કરી રહ્યું છે અને તેની પાછળનું અસલી કારણ શું છે? આજે આપણે તેની વાત કરવી છે. નમસ્કાર... પાકિસ્તાન જેને દુનિયા સામે આઝાદ કાશ્મીર કહે છે, તે હકીકતમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે આપણું PoK છે. અત્યારે ત્યાંના લોકો પાકિસ્તાન સરકાર અને આર્મીની જોહુકમી સામે જાણે કે આરપારની લડાઈ લડવા રસ્તા પર ઉતરી આવ્યા છે. કારણ કે તેમને પીઓકેની આવનાર ચૂંટણીઓ જીતવી છે અને પોતાના મળતિયાઓ બેસાડવા છે. અત્યારના ધમાસાણને શરૂઆતથી સમજવા માટે વર્ષ 2023ના મે મહિનામાં જવું પડશે. મે 2023માં જે આંદોલન આસમાને પહોંચેલા વીજળીના બિલો અને લોટની અછત સામે શરૂ થયું હતું, તેણે હવે એક મોટો અને ભયંકર રાજકીય બળવો રૂપ લઈ લીધું છે. આ આખા આંદોલનની આગેવાની જોઈન્ટ અવામી એક્શન કમિટી નામના એક સંગઠને લીધી, જેમાં સામાન્ય નાગરિકો, દુકાનદારો અને વકીલો જોડાયેલા છે. શરણાર્થી બેઠકોની મોટી માયાજાળ આ આખા બળવાનું અને વિવાદનું મૂળ PoKની વિધાનસભાની ચૂંટણીના ગણિતમાં છુપાયેલું છે. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં વિધાનસભાની કુલ 53 બેઠકો છે. 53માંથી 8 બેઠકો અનામત છે. મહિલા(5), ઉલેમા (1), ટેક્નોક્રેટ (1) અને 1 વિદેશમાં રહેતા જમ્મુ કાશ્મીરના લોકો માટે રિઝર્વ છે. એટલે કુલ 45 બેઠકો પર સીધી રીતે ચૂંટણી થાય છે તેમ કહી શકાય. એમાંથી 33 બેઠકો એવી છે જ્યાં PoKની અંદર રહેતા સ્થાનિક લોકો મતદાન કરે છે. પણ, સૌથી મોટો ખેલ બાકીની 12 બેઠકોમાં છે, જેને શરણાર્થી બેઠકો કહેવાય છે. આ બેઠકો એવા લોકો માટે છે જે 1947 અને 1965 પછી જમ્મુ-કાશ્મીરથી નીકળીને પાકિસ્તાનના પંજાબ કે સિંધ જેવા અન્ય પ્રાંતોમાં જઈને વસ્યા છે. હવે ઇસ્લામાબાદમાં બેઠેલી સરકાર આ 12 બેઠકોનો ઉપયોગ કરીને પોતાના મળતિયાઓને જ PoKમાં સત્તા પર બેસાડી દેવાનો પ્લાન બનાવી રહી છે. આ સીધો અને સ્પષ્ટ ભેદભાવ છે. સ્થાનિક લોકોનો તર્ક એકદમ સાચો છે કે જે લોકો અમારા વિસ્તારમાં રહેતા જ નથી, તે લોકો અમારા વિસ્તારના સાધનો અને ભવિષ્ય પર રાજ કેવી રીતે કરી શકે? એટલે જ લોકોએ જુલાઈ 2026માં આવનારી ચૂંટણી પહેલા આ 12 શરણાર્થી બેઠકો નાબૂદ કરવાની માંગ પકડી છે. આ 12 શરણાર્થી બેઠકોમાં 6 બેઠકો જમ્મુ પ્રદેશમાંથી આવેલા શરણાર્થીઓ માટે અનામત છે અને 6 બેઠકો કાશ્મીર પ્રદેશમાંથી આવેલા રેફ્યુઝી માટે અનામત છે. રાવલકોટમાં લોહીની નદીઓ વહી પોતાની આ માંગણીઓ પૂરી કરાવવા માટે JAACએ 9 જૂને એટલે કે ગઈકાલ સુધીમાં મુઝફ્ફરાબાદ તરફ એક લોંગ માર્ચ કાઢવાની જાહેરાત કરી. આ સાંભળીને પાકિસ્તાન સરકાર એટલી બધી ગભરાઈ ગઈ કે તેમણે 5 જૂને જ આ નાગરિક સંગઠન પર આતંકવાદી હોવાનો ટેગ લગાવીને પ્રતિબંધ મૂકી દીધો અને નેતાઓને જેલમાં પૂરવા લાગ્યા. મામલો ત્યારે વિસ્ફોટક બન્યો જ્યારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બરમંગ બ્રિજ પાસે શાહઝેબ હબીબ નામના એક સ્થાનિક વેપારીનું શંકાસ્પદ મોત થયું. 7 જૂને રવિવારના દિવસે રાવલકોટની હોસ્પિટલ બહાર લોકો શાહઝેબના પોસ્ટમોર્ટમની માંગ સાથે શાંતિથી ભેગા થયા હતા. ત્યારે પાકિસ્તાની પોલીસે કોઈ પણ જાતની દયા રાખ્યા વગર પ્રદર્શનકારીઓ પર સીધો ગોળીબાર શરૂ કરી દીધો. PoKમાં ઇન્ટરનેટ અને ફોન સેવાઓ સંપૂર્ણ બંધ આ કોઈ સામાન્ય લાઠીચાર્જ નહોતો. સોશિયલ મીડિયા પર એવા વીડિયો સામે આવ્યા જેમાં પાકિસ્તાની સેના લોકો પર ડ્રોન અને હેલિકોપ્ટરથી નજર રાખીને કાર્યવાહી કરી રહી હતી. ગુપ્તચર અહેવાલો મુજબ આ હિંસામાં 19 નાના બાળકો અને 7 ગર્ભવતી મહિલાઓએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. લોકો આ ક્રૂરતાને રાવલકોટનો નરસંહાર કહી રહ્યા છે. પોતાની આ બર્બરતા દુનિયા સામે ખુલ્લી ન પડે તે માટે પાકિસ્તાન સરકારે આખા PoKમાં ઇન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ પૂરી રીતે બંધ કરી દીધી. એકદમ ઈન્ટરનેટનો અંધારપટ છવાઈ ગયો. રસ્તાઓ પર કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો અને 14,000થી વધુ ફેડરલ અર્ધલશ્કરી દળો એટલે કે પાકિસ્તાની રેન્જર્સને તૈનાત કરી દેવામાં આવ્યા. છતાં પણ, લોકો ડર્યા નહીં અને 9 જૂને આખા પ્રદેશમાં સજ્જડ હડતાળ પાડીને પાકિસ્તાન સરકારને પોતાની તાકાતનો પરચો બતાવ્યો. ભારતનો પાકિસ્તાન પર આકરો પ્રહાર જ્યારે પાકિસ્તાનની આર્મી રાવલકોટમાં નિર્દોષ લોકોના જીવ લઈ રહી હતી, ત્યારે ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને સાવ ઉઘાડું પાડી દીધું. 9 જૂન 2026ના રોજ આપણા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે પાકિસ્તાનનો અસલી અને ક્રૂર ચહેરો ખુલ્લો પાડ્યો હતો. જાયસવાલે એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે પાકિસ્તાન પોતાની આબરૂ બચાવવા અને પીઓકેમાંથી દુનિયાનું ધ્યાન ભટકાવવા માટે ફેક ન્યૂઝ એટલે કે તદ્દન ખોટા સમાચારોનો સહારો લઈ રહ્યું છે. ભારતનો આ સંદેશો એકદમ ધારદાર હતો. ભારતે સ્પષ્ટ કર્યું કે PoK પર પાકિસ્તાને ગેરકાયદેસર કબજો જમાવ્યો છે અને ત્યાંના નાગરિકો પર થતો અત્યાચાર કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય. અમેરિકા અને યુએનનું ભેદી મૌન હવે જરા દુનિયાના મોટા કહેવાતા દેશોની બેવડી નીતિ પર નજર કરીએ. અમેરિકા અને બ્રિટન જેવા દેશો આખી દુનિયામાં માનવાધિકારના મોટા મોટા ભાષણો આપે છે, પણ પાકિસ્તાનની બાબતમાં તેઓ સાવ ચૂપ છે. અમેરિકા, બ્રિટન અને કેનેડાએ માત્ર એટલું જ કર્યું કે પોતાના નાગરિકોને ચેતવણી આપી દીધી કે અત્યારે પીઓકેમાં ફરવા ન જતા. બાકી પાકિસ્તાન સામે કોઈ સખત પગલાં ન લીધા. યુનાઈટેડ નેશન્સમાં 8 જૂને એક રિપોર્ટ રજૂ થયો હતો. આ રિપોર્ટમાં જ્યોર્જેટ ગેગનને ચોખ્ખું કહ્યું કે અફઘાનિસ્તાન સરહદ પર 3600થી વધુ ગોળીબારની ઘટનાઓ બની છે. પાકિસ્તાને બોર્ડર સાવ બંધ કરી દીધી છે, જેથી અફઘાનિસ્તાનમાં અનાજ અને જરૂરી દવાઓ પણ પહોંચી શકતી નથી. લાખો શરણાર્થીઓને બળજબરીથી કાઢી મુકાયા છે. પણ આટલું બધું થયા પછી પણ યુએનએ હજુ સુધી પાકિસ્તાન પર કોઈ કડક પ્રતિબંધો લગાવ્યા નથી. પાકિસ્તાનમાં હવે ચીનનો અસલી ખેલ આ આખી ગરબડમાં જો કોઈ ચૂપચાપ પોતાનો સૌથી મોટો ફાયદો કાઢી રહ્યું હોય તો તે છે ચીન. પાકિસ્તાનની તિજોરી અત્યારે સાવ તળિયાઝાટક છે, એટલે ચીન હવે મોટા ભાઈ તરીકે આગળ આવ્યું છે. 1 એપ્રિલ 2026ના રોજ ચીને ઉરુમકીમાં પાકિસ્તાન અને તાલિબાનના નેતાઓને બોલાવીને સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. ચીનને પાકિસ્તાની લોકોની કોઈ ચિંતા નથી, તેને માત્ર પોતાના $65 બિલિયનના સીપેક પ્રોજેક્ટની ચિંતા છે. આ સિવાય, આતંકવાદ રોકવાના નામે ચીને પાકિસ્તાનને અત્યાધુનિક કેમેરા અને ચહેરા ઓળખી કાઢે તેવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી આપી છે. હકીકતમાં ચીન આ બહાને પાકિસ્તાનના તમામ લોકોનો ખાનગી ડેટા અને આખું ડિજિટલ માળખું પોતાના હાથમાં લઈ રહ્યું છે. આર્થિક રીતે તો પાકિસ્તાન ગુલામ હતું જ, હવે ડિજિટલ રીતે પણ ચીનનું સંપૂર્ણ ગુલામ બની રહ્યું છે. ફેબ્રુઆરી 2026નો મહિનો પાકિસ્તાનની સેના અને સરકાર માટે કોઈ કાળમુખા સમયથી કમ નહોતો. પાકિસ્તાન સરકાર પોતે એવું માનતી હતી કે તેમની રાજધાની ઇસ્લામાબાદ એકદમ સુરક્ષિત છે, પણ આતંકવાદીઓએ ત્યાં પણ ઘૂસીને બતાવી દીધું કે પાકિસ્તાનમાં હવે કોઈ જગ્યા સલામત નથી. આપણે ફેબ્રુઆરી મહિનાના આંકડાઓ પર નજર કરીએ તો ખબર પડશે કે સ્થિતિ કેટલી ગંભીર છે. એક જ મહિનામાં ત્રણ એવા મોટા હુમલા થયા જેણે પાકિસ્તાનના આંતરિક સુરક્ષા માળખાના લીરેલીરા ઉડાડી દીધા. તમે જુઓ, આ કોઈ સામાન્ય હુમલા નહોતા. 6 ફેબ્રુઆરીએ રાજધાની ઇસ્લામાબાદના તરલાઈ કલાન વિસ્તારમાં આવેલી શિયા મસ્જિદમાં શુક્રવારની પાક જુમ્માની નમાજ ચાલતી હતી. ત્યારે જ આત્મઘાતી હુમલાખોરો ત્યાં આવે છે, પહેલા બહાર ઊભેલા ગાર્ડને ગોળીએ દે છે અને પછી અંદર જઈને પોતાની જાતને ઉડાવી દે છે. આ હુમલાની જવાબદારી ISKP એટલે કે ઇસ્લામિક સ્ટેટ ખોરાસાન નામના ખૂંખાર આતંકી સંગઠને લીધી હતી. આનો સીધો અર્થ એ થાય કે આતંકવાદીઓ હવે પાકિસ્તાનની રાજધાનીમાં પણ આરામથી ફરી શકે છે. ત્યારબાદ, 17 ફેબ્રુઆરીએ બાજોરમાં જે બન્યું તે તો વધુ ડરામણું હતું. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન એટલે કે TTPના આતંકવાદીઓએ આખેઆખી વિસ્ફોટકોથી ભરેલી ગાડી સુરક્ષા કેમ્પની દીવાલ સાથે ભટકાવી દીધી. આમાં પાકિસ્તાનના 11 જવાનો અને એક નિર્દોષ બાળકનો જીવ ગયો. આતંકીઓ હવે ડ્રોનથી હુમલા કરવા લાગ્યા સૌથી ચોંકાવનારી વાત તો હવે આવે છે. પહેલા આતંકવાદીઓ છુપાઈને ગોળીબાર કરતા હતા, પણ હવે તેમની રીત બદલાઈ ગઈ છે. 21 ફેબ્રુઆરીએ બન્નુ શહેરમાં જ્યારે TTPના 100થી વધુ આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો, ત્યારે તેમણે હવામાં ઉડતા ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો હતો. જી હા, તમે સાચું સાંભળ્યું. જે ડ્રોનનો ઉપયોગ આપણે સામાન્ય રીતે શૂટિંગ માટે કરીએ છીએ, તેવા ક્વાડકોપ્ટર ડ્રોનથી આતંકવાદીઓ પાકિસ્તાની સેના પર નજર રાખી રહ્યા હતા અને હુમલા કરી રહ્યા હતા. આ બતાવે છે કે આતંકવાદી જૂથો હવે હાઇટેક અને આધુનિક થઈ ગયા છે. પાકિસ્તાનની સરકાર આ બધી પોતાની આંતરિક નબળાઈઓ છુપાવવા માટે દોષનો ટોપલો અફઘાનિસ્તાન પર ઢોળી રહી છે. પાકિસ્તાનના માહિતી મંત્રાલયે તો ત્યાં સુધી કહી દીધું કે આ બધા હુમલાઓ અફઘાનિસ્તાનમાં બેઠેલા લોકોના ઈશારે થાય છે અને હુમલાખોરો પણ અફઘાની જ હતા. પોતાની આબરૂ બચાવવા માટે પાકિસ્તાને અફઘાનિસ્તાન પર સીધો બોમ્બમારો કરવાનું શરૂ કરી દીધું છે. અડધી વસ્તી ગરીબ ને સરકારને લડવું છે યુદ્ધ! પાકિસ્તાન અત્યારે જે ભયંકર પરિસ્થિતિમાંથી નીકળી રહ્યું છે એ સમજવા માટે આપણે એની આર્થિક સ્થિતિ પણ ખાસ જોવી પડે. દેશમાં 44 ટકાથી વધુ લોકો ગરીબી રેખાની નીચે જીવે છે. સામાન્ય માણસને ખાવા માટે રોટલી કે લોટ પણ સરખો મળતો નથી. દેશ આખો IMFની ખૈરાત કે ભીખના ભરોસે ચાલી રહ્યો છે. આઈએમએફ જે કડક શરતો મૂકે તે પાકિસ્તાને ચૂપચાપ માની લેવી પડે છે. આવી ભયંકર ગરીબી અને નાદારી વચ્ચે કોઈ પણ દેશની સરકાર પોતાના લોકોના વિકાસ પર ધ્યાન આપે, પણ પાકિસ્તાનની સરકાર અને સેનાનું ધ્યાન માત્ર યુદ્ધ અને બંદૂકો પર છે. દેશની તિજોરી સાવ તળિયાઝાટક છે છતાં તેઓ અફઘાનિસ્તાન સાથે યુદ્ધ ખેલી રહ્યા છે. જ્યારે પોતાના દેશના લોકો રોટલી માટે વલખાં મારતા હોય અને સેના કરોડો રૂપિયાના બોમ્બ બીજા દેશ પર ફેંકતી હોય, ત્યારે દેશ બરબાદ ન થાય તો બીજું શું થાય? આના કારણે જ પાકિસ્તાન હવે પૂરેપૂરું ચીન પર નિર્ભર થઈ ગયું છે. ચીન હવે માત્ર તેમને પૈસા જ નથી આપતું, પણ પાકિસ્તાન પર નજર રાખવાનું આખું ડિજિટલ માળખું પણ પૂરું પાડી રહ્યું છે અને પોતાના ફાયદા માટે પાકિસ્તાનનો પૂરો ઉપયોગ કરી રહ્યું છે. હવે આપણે એ સમજવાનું છે કે પાકિસ્તાનની સરકારે અને ત્યાંની આર્મીએ પોતાની આ ભયંકર નિષ્ફળતા છુપાવવા માટે શું નવો રસ્તો કાઢ્યો? તેમણે પોતાની પ્રજાનું ધ્યાન બીજે દોરવા માટે સીધો જ દોષ પાડોશી દેશ અફઘાનિસ્તાન પર ઢોળી દીધો અને ત્યાં નિર્દોષ લોકો પર બોમ્બમારો શરૂ કરી દીધો. ફેબ્રુઆરી 2026ના અંતમાં પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે તાલિબાનને જાહેરમાં ખુલ્લી ધમકી આપી હતી. અને એ ધમકી પછી તો પાકિસ્તાની વાયુસેનાના વિમાનોએ અફઘાનિસ્તાનની હદમાં ઘૂસીને નંગરહાર, પક્તિકા અને ખોસ્ત પ્રાંતમાં આકાશમાંથી આડેધડ બોમ્બ વરસાવવાના ચાલુ કરી દીધા. હોસ્પિટલ પર કર્યો કાયરતાપૂર્ણ હુમલો અફઘાનિસ્તાનમાં પાકિસ્તાને જે હદે બર્બરતા અને ક્રૂરતા કરી છે તે સાંભળીને તમારા રૂંવાડા ઉભા થઇ જશે. 16 માર્ચ 2026નો એ દિવસ અફઘાનિસ્તાનના ઇતિહાસમાં એક કાળો દિવસ બની ગયો છે. પાકિસ્તાનની સેનાએ એક મિલિટરી ઓપરેશન ચલાવ્યું અને સીધો જ કાબુલની એક બહુ મોટી હોસ્પિટલ પર ભયંકર હવાઈ હુમલો કરી દીધો. આ કોઈ નાની કે સામાન્ય હોસ્પિટલ નહોતી, તે ઓમિડ ડ્રગ રિહેબિલિટેશન સેન્ટર હતું, જ્યાં નશામુક્તિની સારવાર ચાલતી હતી. વર્ષ 2016થી અહીં 2000 પથારીની મોટી બધી હોસ્પિટલ ચાલતી હતી. પણ પાકિસ્તાને રાતના નવ વાગ્યે આ હોસ્પિટલ પર જ મોટા મોટા બોમ્બ ફેંક્યા. હવે આ હુમલા પછી પાકિસ્તાનની બેશરમી તો જુઓ. હુમલો કર્યા પછી તેઓ એવું બહાનું કાઢે છે કે અમે તો અંદર છુપાયેલા દારૂગોળાના ડેપો પર બોમ્બ ફેંક્યા હતા. પણ દુનિયાની મોટી માનવાધિકાર સંસ્થાઓ જેમ કે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને હ્યુમન રાઇટ્સ વોચ પાકિસ્તાનની આ વાત માનવા જરાય તૈયાર નથી. તેમણે ચોખ્ખું કહી દીધું હતું કે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય કાયદાઓ તોડ્યા છે અને આ એક સીધો યુદ્ધ અપરાધ એટલે કે વોર ક્રાઈમ ગણાય છે. તમે જરા શાંતિથી વિચારો, જે ઈમારતમાં 2000 થી વધુ બીમાર દર્દીઓ સૂતા હોય, ત્યાં કોઈ પણ દેશ બોમ્બ કેવી રીતે ફેંકી શકે? આનાથી મોટું કોઈ પાપ હોઈ જ ન શકે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર પણ બોમ્બમારો પાકિસ્તાનની આર્મી માત્ર હોસ્પિટલો પર હુમલા કરીને અટકી નહોતી. 27 એપ્રિલ 2026ના રોજ તેમણે કુનાર પ્રાંતમાં એક યુનિવર્સિટીને પણ નિશાન બનાવી. સૈયદ જમાલુદ્દીન અફઘાની યુનિવર્સિટીમાં જ્યારે વિદ્યાર્થીઓ ભણી રહ્યા હતા, ત્યારે પાકિસ્તાન તરફથી તોપના ગોળા વરસાવવામાં આવ્યા. આ કાયરતાપૂર્ણ હુમલામાં ભણતા યુવાનો અને તેમને ભણાવતા પ્રોફેસરો સહિત 88 જેટલા લોકો ભોગ બન્યા, જેમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત થયા અને 81 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. શિક્ષણના ધામ પર આવો હુમલો કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય. જૂન મહિનામાં ફરીથી બાળકોનો ભોગ લીધો આ બધી ક્રૂરતા ઓછી હોય તેમ, હજુ તો તાજેતરની જ વાત છે. ગઈકાલ અને આજની મધ્યરાત્રીએ પાકિસ્તાની લડાકુ વિમાનો ફરીથી અફઘાનિસ્તાનના આકાશમાં ઘૂસી આવ્યા. આ વખતે તેમણે સીધું જ ખોસ્ત, કુનાર અને પક્તિકા વિસ્તારમાં સામાન્ય અને નિર્દોષ લોકોના ઘરો પર જ બોમ્બ વરસાવી દીધા. જ્યારે બિચારા ગરીબ લોકો પોતાના ઘરમાં શાંતિથી સૂતા હતા, ત્યારે અચાનક આકાશમાંથી મોત વરસી પડ્યું. તાલિબાન સરકારના મુખ્ય પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે જાતે આ હુમલાની દર્દનાક તસવીરો આખી દુનિયાને બતાવી અને પાકિસ્તાનનો અસલી ચહેરો ખુલ્લો પાડ્યો. તાલિબાને અત્યંત આકરા શબ્દોમાં કહી દીધું છે કે પાકિસ્તાન અફઘાનિસ્તાનની જમીન અને સાર્વભૌમત્વનું સીધું ઉલ્લંઘન કરી રહ્યું છે. તાલિબાનનું સ્પષ્ટ માનવું છે કે પાકિસ્તાન પોતાની આંતરિક સુરક્ષામાં સાવ નિષ્ફળ ગયું છે. ત્યાંના લોકોનો સરકાર પરથી ભરોસો ઉઠી ગયો છે અને એ ગુસ્સો શાંત કરવા માટે, પોતાની નિષ્ફળતાઓ પર ઢાંકપિછોડો કરવા માટે અફઘાનિસ્તાનના નિર્દોષ નાગરિકો અને બાળકોને મારી રહ્યું છે. આ સતત ચાલતા ગોળીબાર અને બોમ્બમારાને લીધે સરહદ પર રહેતા 1 લાખ 15 હજારથી વધુ અફઘાન નાગરિકોએ પોતાના ઘરબાર છોડીને જીવ બચાવવા બીજે ભાગવું પડ્યું છે. સરહદો પૂરી રીતે સીલ કરી દેવામાં આવી છે, જેને લીધે બિચારા અફઘાન લોકોને ખાવાનું અનાજ અને જીવનરક્ષક દવાઓ પણ મળી શકતી નથી. આમ, પાકિસ્તાન એક તરફ પોતાના દેશમાં આતંકવાદીઓનો સામનો કરી શકતું નથી અને બીજી તરફ પાડોશી દેશના નિર્દોષ લોકોને મારીને પોતાની બહાદુરીના ખોટા અને પોકળ દાવા કરી રહ્યું છે. આખો પાકિસ્તાન દેશ અત્યારે ભય, ગરીબી અને અરાજકતાના માહોલમાં જીવી રહ્યો છે. પોતાની ચાલમાં ફસાયેલું પાકિસ્તાન વિનાશ તરફ જશે આ આખી વાતનો નીચોડ એ જ છે કે પાકિસ્તાને દાયકાઓ સુધી જે આતંકવાદીઓ પાળ્યા હતા, તે જ ભસ્માસુર બનીને આજે તેમને ડંખી રહ્યા છે. ટીટીપી પાકિસ્તાનને અંદરથી ખોખલું કરી રહ્યું છે. અફઘાનિસ્તાન સાથેની ખુલ્લી દુશ્મની, પીઓકેમાં પોતાના જ લોકોનો ઉગ્ર વિરોધ અને દેશની ખાલી તિજોરી આ બધું જ સાબિત કરે છે કે પાકિસ્તાનની નીતિઓ સાવ ફેલ ગઈ છે. જો પાકિસ્તાનની આર્મી હજુ પણ પોતાની જોહુકમી અને આતંકને છાવરવાની નીતિ નહીં છોડે, તો આવનારા સમયમાં આખો દેશ સંપૂર્ણપણે બરબાદ થઈ જશે. અને છેલ્લે... જે ન થવું જોઈતું હતું તે અંતે થઈ જ ગયું. વાત છે ઈઝરાયલ અને ઈરાન યુદ્ધની. ટ્રમ્પ પાસે યુદ્ધ ખેંચવાની 60 દિવસની તાકાત હતી જે પૂરી થઈ અને તેમને સૈનિકો પાછા ખેંચવા પડ્યા પણ હવે આ યુદ્ધ 60 દિવસ બંધ રહ્યા પછી 7 જૂન 2026ના ફરી શરૂ થઈ ગયું છે. ટ્રમ્પ બોલ્યા કે બે અઠવાડિયામાં અમેરિકા યુદ્ધ જીતી લેશે અને પેટ્રોલ-ડીઝલની કિંમતો પણ ઘટી જશે. રણ અમેરિકાના આ જ અહમે દુનિયાને મોંઘવારીના એવા ચક્રવ્યૂહમાં ફસાવી દીધી છે કે જો આ યુદ્ધ હજુ આમને આમ ચાલુ રહેશે તો વિકસિત દેશો વિકાસશીલ કેટેગરીમાં આવી જશે અને ગરીબ ઔર ગરીબ થઈ જશે. અને મોંઘવારી આકાશ આંબીને સીધી અંતરિક્ષ સુધી પહોંચી જશે. સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
Click here to Read more
