Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    પહેલાં પાનેલીના હર્ષદ મહેતા, હવે રાજકોટના રાજેશ મહેતા:15 લાખ કરોડના મહાકૌભાંડમાં LICના પૈસા ડૂબી શકે; સેબીના 7 આરોપ ને 'હવાઈ કમાણી'ની ઈન્સાઈડ સ્ટોરી

    4 hours ago

    1

    0

    વાત 1986-87ની છે. રાજકોટ રહેતા જસવંતરાય મહેતા સોના-ચાંદીના દાગીનાનું કામકાજ કરે. એ બધું સમેટીને બેંગ્લુરૂ શિફ્ટ થઈ ગયા. પિતાની સાથે ધંધો કરવા તેમના બંને દીકરા રાજેશ મહેતા ને પ્રશાંત મહેતા પણ બેંગ્લુરૂ ગયા. મોટો દીકરો રાજેશ રાજકોટથી સોના-ચાંદીના દાગીના લઈ આવે ને કમિશનથી બેંગ્લુરૂ, હૈદરાબાદ, ચેન્નાઈમાં વેચે. ધંધો જોરદાર જામ્યો. બેંગ્લુરૂમાં જ 1989માં બંને ભાઈઓએ નાના રૂમમાં 10ના સ્ટાફ સાથે કંપની શરૂ કરી. નામ રાખ્યું - રાજેશ એક્સપોર્ટ્સ. કાચા સોનાને રિફાઈન કરવાનું મુખ્ય કામ. સાઈડમાં દાગીના બનાવીને પણ વેચે. સોનું ઓગાળવાની ગરમી વચ્ચે જોઈએ એવી ચમક આવતી નહોતી. ધીમે ધીમે કંપનીનો વ્યાપ વધ્યો. NSE અને BSEમાં લિસ્ટેડ થઈ. બધું બરાબર ચાલતું હતું ત્યાં 11 માર્ચ 2024ના દિવસે SEBI (સિક્યોરિટીસ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા.- સેબી)ને એક શેર હોલ્ડરનો ઈમેલ મળ્યો. બેંગ્લુરૂની રાજેશ એક્સપોર્ટ્સને માર્કેટમાંથી બે વર્ષથી રૂપિયા મળ્યા નથી છતાં આ કંપની ઉઘરાણી કરતી નથી. દાળમાં કાંઈક કાળું છે. સેબીએ ઈમેલને ગંભીરતાથી લીધો. બધું હોમવર્ક કર્યા પછી 20 ઓક્ટોબર 2024એ સેબીએ બેંગ્લુરૂની ગોલ્ડ રિફાઈન કરતી કંપની રાજેશ એક્સપોર્ટ્સ સામે તપાસનો આદેશ આપ્યો. દોઢ વર્ષ તપાસ ચાલી ને હમણાં ત્રણ દિવસ પહેલા જ સેબીએ રિપોર્ટ બહાર પાડ્યો. તેમાં રાજેશ એક્સપોર્ટ્સ પર આરોપો મૂકવામાં આવ્યા. સૌથી મોટો આરોપ એ હતો કે કંપનીએ પોતાની 15 લાખ 15 હજાર કરોડની જાયન્ટ આવક બતાવી છે તેમાંથી 97% આવક ખોટી બતાવી છે. કંપનીની આટલી આવક છે જ નહીં !! આખરે રાજકોટથી બેંગ્લુરૂ શિફ્ટ થયેલા 60 વર્ષના રાજેશ મહેતાએ એવો તે ક્યો જાદુ કર્યો કે 15 લાખ કરોડની જંગી આવક 'હવાઈ કમાણી' નીકળી!! આ ગૂંચને આસાન રીતે સમજીએ. પહેલા રાજેશ મહેતાનું બિઝનેસ મોડેલ સમજો રાજેશ એક્સપોર્ટ્સનો બિઝનેસ કાચા સોનાની ખરીદીથી શરૂ થાય છે. કંપની તેને રિફાઇન કરીને શુદ્ધ સોનું બનાવે છે, પછી તેમાંથી જ્વેલરી તૈયાર કરે છે અને વેચે છે. કંપનીની વાર્ષિક આવક લગભગ 39.2 બિલિયન ડોલર (લગભગ 3.75 લાખ કરોડ રૂપિયા) છે. બેંગ્લુરૂમાં સ્થાયી ગુજરાતી બિઝનેસમેન રાજેશ મહેતા પાસે સોનાનું રો-મટિરિયલ આવે. પોતાની કંપનીમાં આ રો-મટિરિયલ પર પ્રોસેસ થાય. રિફાઈન કરીને સોનું પાછું મોકલાવી દે. રાજેશ એક્સપોર્ટ્સને મળે શું? માત્ર રિફાઈનીંગ કરવાનો ચાર્જ. સોનું તો પોતાનું ગણાય નહીં. છતાં આ ભાઈ રિફાઈનીંગ ચાર્જની સાથે સોનાની કિંમતને પણ કાગળમાં લખતા જતા હતા. આ રીતે તેમણે ખોટી આવક બતાવી. આને ઉદાહરણ પરથી સમજો. ટોલ પ્લાઝામાંથી કાર પસાર થાય તો ટોલ કર્મચારી દિવસના અંતે જે હિસાબ આપે તે ક્યો હોય? કેટલો ટોલ જમા થયો તેનો જ હોય ને? ટોલ પ્લાઝામાંથી 15 લાખની કિયા, 50 લાખની મર્સિડિસ, 35 લાખની ઔડી કાર પસાર થાય તો ટોલ કર્મચારી ડાયરીમાં એવું થોડું લખે કે આજે 15 લાખની, 50 લાખની ને 35 લાખની કાર પસાર થઈ તો 1 કરોડનો ટોલ થયો. બસ, આ જ મોડેસ ઓપરેન્ડી રાજેશ મહેતા અપનાવતા. પોતાને ત્યાં રિફાઈન થવા જે સોનું આવતું તે પણ ઓનપેપર ગણી લેવાતું. આ વાતની ગંધ વર્ષો સુધી કોઈને આવવા દીધી નહીં. બીજું, બીઝનેસમાં એવું હોય છે કે તમે માલ વેચ્યો, તો રૂપિયા તરત ન પણ મળે. અઠવાડિયે કે મહિને પૈસા મળે. રાજેશ એક્સપોર્ટ્સમાંથી જે માલ નીકળ્યો તેના પૈસા લેવાના બાકી હતા. એ વસુલ્યા નહીં. આમ ને આમ બે વર્ષ નીકળી ગયા. છતાં રાજેશ મહેતાએ ઉઘરાણી કરી નહીં. માર્કેટમાંથી પૈસા પાછા લેવાના હોય, તેના માટે એક શબ્દ છે ટ્રેડ રિસિવેબલ્સ. કંપનીની વેબસાઈટમાં ટ્રેડ રિસિવેબલ્સનો ડેટા હોય તેમાં બે વર્ષથી એક રૂપિયો ય ન આવતાં ઘણાને શંકા ગઈ હતી. પણ કોઈએ જોરશોરથી ફરિયાદ કરી નહીં. પણ સેબીને એક ઈમેલ મળ્યો અને પછી સેબીએ જે તપાસ શરૂ કરી તેમાં એવા એવા ગોટાળા આવવા લાગ્યા કે સેબી પણ ચકરાવે ચડી ગઈ. કેલ્ક્યુલેટર ટૂંકા પડ્યા. કારણ કે રાજેશ એક્સપોર્ટ્સમાં 15 લાખ 15 હજાર કરોડના હિસાબી ગોટાળા સામે આવ્યા. જોકે સેબીએ આરોપો મૂક્યા છે. તે સાબિત થયા નથી. રાજેશ મહેતાએ પણ NDTV પ્રોફિટ અને મની કંટ્રોલ સાથે વાત કરી. તેમણે કહ્યું કે, સેબીએ જે રિપોર્ટ આપ્યો છે તે અંતરિમ એટલે વચગાળાનો રિપોર્ટ છે. સેબીએ કંપની પર જે આરોપો લગાવ્યા છે તેમાં તથ્ય નથી. અમે સેબીના આરોપોનો અભ્યાસ કરીને ટૂંક સમયમાં જવાબ આપીશું. 2015માં 265 કરોડ રોકડા આપીને સ્વિત્ઝર્લેન્ડની કંપની ખરીદી લીધી રાજેશ મહેતા પોતાની બેંગ્લુરૂની કંપનીમાં ગોલ્ડ રિફાઈન કરતા જ હતા. તેમણે સ્વિત્ઝર્લેન્ડની એક કંપની છે વલકામ્બી. તેને ખરીદી લીધી. વલકામ્બીની ગણતરી દુનિયાની ટોચની ગોલ્ડ રિફાઈન કંપનીઓમાં થાય છે. રાજેશ મહેતાએ આ કંપની ખરીદી પણ કેવી રીતે, 40 મિલિયન ડોલર રોકડા આપીને. 2015માં 265 કરોડ રૂપિયા થાય. આજે 40 મિલિયન ડોલર એટલે 400 કરોડ થાય. વેલ, એ વખતે પણ 265 કરોડ રોકડા કાઢવા એ ખાવાના ખેલ થોડા છે !! સેબીએ જ્યારે રાજેશ મહેતા સામે તપાસ શરૂ કરી ત્યારે વલકામ્બીની આવક વિશે પૂછ્યું. રાજેશ મહેતાએ જવાબ આપ્યો, સ્વિત્ઝર્લેન્ડના કાયદા જ એવા છે કે અમે માહિતી ન આપી શકીએ. હવે એ જાણો, સેબીએ શું આરોપો લગાવ્યા છે? રાજેશ એક્સપોર્ટ્સ કંપનીમાં LICના રૂપિયા પણ દાવ પર લાગ્યા છે !! LIC - જીવન વીમાની સૌથી મોટી સરકારી કંપની. નાનામાં નાનો માણસ હોય તો તેને LICનો વીમો લીધો જ હોય. લાખો લોકોને LIC પર ભરોસો છે. પણ રાજેશ એક્સપોર્ટ્સનું કૌભાંડ બહાર આવતાં એવું લાગે છે કે ભરોસાની આ ભેંસ પાણીમાં બેસી ગઈ છે. સામાન્ય માણસ મહિને, વર્ષે LICમાં જે પ્રિમિયમ ભરતો હોય તેના રૂપિયા LIC બીજી કંપનીઓમાં ઈન્વેસ્ટ કરે. LICએ 10.80%ના શેર રાજેશ એક્સપોર્ટ્સના ખરીદી લીધા. મની કંટ્રોલે લખ્યું છે કે 2023-2024 વચ્ચે રાજેશ એક્સપોર્ટ્સના શેરના ભાવ 70% સુધી ગગડી ગયા. છતાં LICએ તેની ભાગીદારી 10% જાળવી રાખી. જે કંપની મૂળભૂત જાણકારી છુપાવે છે તેના પર LICને ક્યારેય શંકા ન ગઈ, આવું કેવી રીતે થાય? જો સેબીના આરોપો સાચા સાબિત થાય છે તો LICને પણ તગડો ઝટકો લાગી શકે છે. એટલું જ નહીં, સરકારી કેનરા બેન્કે તો રાજેશ એક્સપોર્ટ્સને 509 કરોડની લોન આપી છે. હવે એ લોનના પૈસા પાછા આવશે કે કેમ તે નક્કી નથી એટલે કેનરા બેન્ક રાજેશ એક્સપોર્ટ્સની મિલકતોની હરાજી કરી શકે છે. આમ, રાજેશ મહેતાની કંપનીમાં બે સરકારી કંપનીના પૈસા ફસાઈ ગયા છે. અને હા, સેબીનો આદેશ આવ્યા બાદ LICના શેરમાં પણ લગભગ 1%નો ઘટાડો થયો છે. એક્સપર્ટ્સ માને છે કે શેરની કિંમતો ઘટવાથી કંપનીમાં LICએ કરેલા રોકાણની વેલ્યુ ઓછી થઈ જશે. રાજેશ એક્સપોર્ટ્સના શેરમાં રોકાણ કરનારા ધોવાઈ ગયા સેબીના 109 પાનાંના અંતરિમ રિપોર્ટના સમાચાર રોઈટર્સે પહેલીવાર છાપ્યા ત્યારે રાજેશ એક્સપોર્ટ્સના શેર લોઅર સર્કિટ પર 5% ઘટી ગયા. 2023માં આ કંપનીનો એક શેર 1028 રૂપિયાનો હતો. તે સમયે તેની માર્કેટ કેપ 30 હજાર કરોડથી વધારે હતી. 2024માં એક શેર 306 રૂપિયાનો થઈ ગયો ને આજે (4 જૂનની સ્થિતિએ) 103 રૂપિયા છે. રાજેશ એક્સપોર્ટ્સના શેર લેનારા રોકાણકારોના એક ઝાટકે 12 હજાર 700 કરોડ રૂપિયા ધોવાઈ ચૂક્યા છે. ખેલ શેનો છે, રેવન્યૂનો કે મની લોન્ડરિંગનો? જ્યારે કોઈ કંપની પોતાની આર્થિક સ્થિતિ મજબૂત બતાવવા બેંક લોન મેળવવા અથવા શેરબજારમાં પોતાના શેરની કિંમતો વધારવા માટે જેટલું વેચાણ થયું હોય તેના કરતાં વધુ કમાણી કાગળો પર દર્શાવે છે, ત્યારે તેને 'રેવન્યૂ ઇન્ફ્લેશન' અથવા રેવન્યૂ વધારીને બતાવવી, એવું કહેવાય છે. આમાં ઘણીવાર માલની ડિલિવરી કર્યા વગર ફક્ત બિલ બનાવી દેવામાં આવે છે. સ્ટોક માર્કેટમાં મજબૂત સ્થિતિ જાળવી રાખવા કંપનીએ આવક વધારે બતાવી હોય તેવું બની શકે. અથવા જો કોઈના કાળા નાણાં વ્હાઈટ કરાયા હશે તો મામલો મની લોન્ડરિંગનો બની જશે ને EDની એન્ટ્રી પણ થઈ શકે. સરકારે ઈવી બનાવવાની ફ્રેન્ચાઈસી રાજેશ એક્સપોર્ટ્સને આપી દીધી કેટલાક મીડિયા રિપોર્ટમાં એવું કહેવાયું છે કે સરકારની વધારેમાં વધારે ઈવી (ઈલેક્ટ્રોનિક વ્હીકલ) બનાવવાની યોજના છે. તેના માટે સરકારની યોજના છે PLI - પ્રોડક્શન લિન્ક ઈન્સેન્ટિવ સ્કીમ. તેના હેઠળ ઈવી અને પાવર સ્ટોરેજ માટે એડવાન્સ કેમેસ્ટ્રી સેલ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાય છે. PLIની હકીકત એ છે કે એ સમયે આખા દેશમાં ઈવી બનાવવામાં એથર કંપનીનું નામ જાણીતું હતું. તેણે પણ કોન્ટ્રાક્ટ મેળવવા માટે અપ્લાય કર્યું હતું. પણ સરકારે એથર કંપનીને કોન્ટ્રાક્ટ ન આપ્યો ને રાજેશ એક્સપોર્ટ્સને આપી દીધો. આ કંપનીએ તેલંગાણા સરકાર સાથે મળીને દેશનો પહેલો 24 હજાર કરોડનો ડિસ્પેલે ફેબ્રિકેશન એટલે હાઈટેક સેમિકન્ડક્ટર સ્થાપવાની સત્તાવાર જાહેરાત કરી હતી. 3 સાદા ફોન, એક સ્માર્ટ ફોન રાખે છે રાજેશ મહેતા ફોર્બ્સ મેગેઝીનમાં રાજેશ મહેતાનો ઈન્ટરવ્યૂ છપાયો હતો. તેમાં લખ્યું છે કે રાજેશ મહેતા કડકડાટ ગુજરાતી તો બોલે જ છે. પણ કન્નડ અને બીજી ચાર ભાષા જાણે છે. બુલેટપ્રૂફ મર્સિડિસમાં નથી ફરતા. 2016 સુધી રાજેશ પાસે ત્રણ સાદા ફોન હતા. સ્માર્ટ ફોન નહોતો. રહીરહીને તેણે એક સ્માર્ટ ફોન ખરીદ્યો. છતાં 3 સાદા ફોન તો રાખ્યા જ. તેણે ઈન્ટરવ્યૂમાં કહેલું કે હું દેખાડો કરવા માટે કાંઈ ખરીદવા માગતો નથી. બોય ધ વે, ઓફિસમાં સોના-ચાંદી ને હાથીદાંતથી બનેલી કરોડો રૂપિયાની 300 ગણેશ મૂર્તિઓ છે. પણ 15 લાખનો તો દેખાડો કરી નાખ્યો એનું શું? એફ્લુઅન્સ કંપનીના નામે 11 હજાર કરોડની લેવડ દેવડ ખોટી નીકળી !! સેબીએ તેના રિપોર્ટમાં જે પુરાવા જોડ્યા છે તેમાં એફ્લુઅન્સ કંપનીનું ઉદાહરણ ટાંક્યું છે. રાજેશ એક્સપોર્ટના 2021-2022ના ફાયનાન્શિયલ રિપોર્ટમાં એવું બતાવાયું છે કે રાજેશ એક્સપોર્ટે 11,448 કરોડ રૂપિયા એફ્લુઅન્સ કંપની પાસેથી લીધા હતા અને પછી એટલી જ રકમ લીધી હતી અને શેર બજારમાં રોકી હતી. તેટલી જ રકમ કંપનીને પાછી આપી દીધી હતી. સેબીએ એફ્લુઅન્સ કંપનીની પૂછપરછ કરતાં એફ્લુઅન્સ કંપનીએ સેબી સામે એવો ખુલાસો કરી દીધો છે કે અમે રાજેશ એક્સપોર્ટ્સ નામની કોઈ કંપની સાથે લેવડ દેવડ કરી નથી. સેબીએ આ એક કેસ ટાંકીને લખ્યું છે કે, એનો મતલબ એવો કે રાજેશ એક્સપોર્ટ્સે બીજી કંપનીના નામે ખોટી રીતે રૂપિયાની હેરાફેરી કરી છે. જતાં જતાં હર્ષદ મહેતાના સ્કેમને યાદ કરી લઈએ… રાજકોટના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના હર્ષદ મહેતા 1970ના દાયકામાં મુંબઈ શિફ્ટ થઈ ગયા. તેમણે હોઝિયરી અને સીમેન્ટ વેચવા સહિતની ખુબજ સારી નોકરીઓ કરવાની શરૂઆત કરી. પરંતુ મેહતા પાસે મોટી મહત્વાકાંક્ષાઓ હતી. તેમને શેરબજાર આકર્ષતું હતું અને ટૂંક સમયમાં બોમ્બે સ્ટૉક એક્સચેન્જમાં જૉબર (એક પ્રકારના બ્રોકર) તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તેમની આક્રમક ટ્રેડિંગ વ્યૂહરચનાઓ માટે જાણીતા મેહતાએ ટૂંક સમયમાં દલાલ શેરીના "બિગ બુલ" બિરૂદ મેળવ્યું હતું. હર્ષદ મહેતાનું શૅરબજારમાં વિશ્વાસુ બ્રોકરોનું મોટું નેટવર્ક હતું. જે મુખ્યત્વે મુંબઈ અને ગુજરાતમાં કેન્દ્રિત હતું. હર્ષદ પહેલાં પોતાના તથા ક્લાયન્ટના પૈસાથી શૅરના ભાવોમાં ઉછાળો લાવતા, લોકોમાં આકર્ષણ વધતું, એટલે ભાવ વધવા લાગે, એટલે લોકોને મહેતાની વાતમાં વિશ્વાસ બેસે. ત્રિલોક કુમાર જૈન તેમના પુસ્તક 'ક્રિમિનલ ઍન્ટરપ્રૅન્યૉરશિપ'માં લખે છે કે હર્ષદ મહેતા દ્વારા પાંચ શહેરમાં 20 બૅન્કની 37 શાખામાં 165 જેટલાં એકાઉન્ટ ઑપરેટ કરતો હતો, જેનું ટર્નઑવર પહેલી એપ્રિલ 1991થી 30મી મે 1992ની વચ્ચે કુલ્લે રૂ. 72 હજાર 212 કરોડ જેટલું હતું અને કૌભાંડનો કુલ આંકડો રૂ. ચાર હજાર કરોડ કરતાં વધુનો હતો. ફાયનાન્શિયલ યર 1991- '92 દરમિયાન જાહેરસાહસની બેન્કોનો જામીનગીરીઓનો કુલ વેપાર રૂ. 48 હજાર 562 કરોડ આસપાસનો હતો, જેમાંથી રૂ. 17 હજાર 300 કરોડ જેટલા વેપાર મહેતા મારફત કરવામાં આવ્યા હતા. જે કુલ વ્યવહારોના લગભગ 35.5 ટકા જેટલા છે. 1992માં બિઝનેસ પત્રકાર સૂચેલા દલાલ હર્ષદ મહેતાના 30 હજાર કરોડના કૌભાંડને બહાર લાવ્યા હતા. 1992ના શેરબજારના કૌભાંડ પછી ભારતીય શેરબજારો ઉપર અનેક નિયંત્રણ આવ્યાં હતાં અને સરકારી નિયંત્રણો વધુ કડક બન્યા હતા, જેથી રોકાણકારોના હિતોને જાળવી શકાય. છતાં તેમાં રહેલી ખામીઓ સમયાંતરે બહાર આવતી રહે છે. રાજેશ મહેતાની ખામી તેમાંની એક હોઈ શકે. 'બિગ બુલ' હર્ષદ મહેતાએ શેરબજારને 'બિગ બેઅર' એવા મનુ માણેકની પકડમાંથી છોડાવ્યું હતું અને તેજીભર્યું વલણ રાખીને પણ શેરબજારમાં પૈસા બનાવી શકાય છે, તે વાત પુરવાર કરી આપી.
    Click here to Read more
    Prev Article
    Bhanu Saptami 2026: आज भानु सप्तमी का है महासंयोग, भगवान भास्कर की ऐसे करें पूजा
    Next Article
    6 हजार सैलरी वाला इंजीनियर करोड़ों का मालिक:भुवनेश्वर में चार आलीशान मकान; ओडिशा में कुल 5 इमारतें, 13 प्लॉट और ₹2 करोड़ कैश मिले

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment