BYD ના 'બધું જ જાતે બનાવો' મોડેલની અગ્નિપરીક્ષા:ટેસ્લાને પાછળ છોડનાર BYDનો નફો 4 વર્ષમાં પહેલી વખત ઘટ્યો
2 hours ago
ચીનના શેનઝેનમાં EV દિગ્ગજ BYDનું હેડક્વાર્ટર છે. અહીં આવતા મહેમાનોને એક પ્રદર્શન જોવા મળતું હતું. એક ડ્રિલથી સામાન્ય EVને વીંધવામાં આવતી હતી, જે તરત જ આગ પકડી લેતી. પછી BYDની બ્લેડ બેટરી પર તેનું પુનરાવર્તન કરવામાં આવતું, પરંતુ તે સુરક્ષિત રહેતી. આ જ બેટરીના જોરે BYD EV શિખર પર પહોંચી. પરંતુ હવે ચાર વર્ષમાં પહેલીવાર કંપનીનો નફો ઘટ્યો. સતત આઠ મહિના સુધી વર્ષ-દર-વર્ષ વેચાણમાં ઘટાડો થયો અને 2026ની શરૂઆતમાં હરીફ ગીલીએ ત્રણ વર્ષથી વધુ સમય પછી BYDને ચીનની ટોચની EV કંપનીના પદ પરથી હટાવી દીધી, જોકે બાદમાં BYDએ આ ખિતાબ ફરીથી છીનવી લીધો. BYDના સ્થાપક વાંગ ચુઆનફુએ એક એવી રણનીતિ અપનાવી જે તેમને બાકીના લોકોથી અલગ પાડતી હતી - લિથિયમ પ્રોસેસિંગ પ્લાન્ટથી લઈને AI મોડેલ સુધી બધું જ જાતે બનાવો. આ રણનીતિએ ખર્ચને નિયંત્રિત કરવામાં મદદ કરી. સીગલ જેવા મોડેલ માત્ર 10,000 ડોલર (લગભગ 9.5 લાખ રૂપિયા)માં લોન્ચ કર્યા. નવા મોડેલ ઝડપથી બજારમાં આવે છે. છેલ્લા એક દાયકામાં આવક દસ ગણી વધીને 116 અબજ ડોલર (લગભગ 11.6 લાખ કરોડ રૂપિયા) પર પહોંચી ગઈ. 2025માં BYDએ ઇલોન મસ્કની ટેસ્લા કરતાં વધુ કારો વેચી. ચુઆનફુની સંપત્તિ 2 લાખ કરોડ રૂપિયા છે. પરંતુ ચીનનો ઓટો ઉદ્યોગ ઝડપથી બદલાઈ રહ્યો છે. યુવા ખરીદદારો કાર લેતી વખતે સૌથી પહેલા ડેશબોર્ડ પર લાગેલા મોટા આધુનિક એન્ટરટેઈનમેન્ટ પેનલ જુએ છે. શિયાઓપેંગ મોટર્સ અને લી ઓટો જેવી કંપનીઓ ઇન્ટરનેટ ઉદ્યોગમાંથી આવેલા ઉદ્યોગસાહસિકો દ્વારા બનાવવામાં આવી છે. ફોક્સવેગને શિયાઓપેંગ મોટર્સ પાસેથી સિસ્ટમ નોલેજ ખરીદ્યું. હુઆવેઈનો એક ડિવિઝન પાંચ અલગ-અલગ કાર કંપનીઓને સોફ્ટવેર અને એન્ટરટેઈનમેન્ટ સિસ્ટમ વેચી રહ્યું છે. તેણે JAC જેવી સરકારી કંપનીને 1 લાખ ડોલરથી વધુ કિંમતનો લક્ઝરી EV બ્રાન્ડ 'મેક્સ્ટ્રો' લોન્ચ કરવામાં મદદ કરી. ગીલીએ AI સ્ટાર્ટઅપ સ્ટેપફન સાથે ઓટોનોમસ ડ્રાઇવિંગ અને આઇફ્લાયટેક સાથે વોઇસ રેકગ્નિશન માટે કરાર કર્યો. નિષ્ણાતોના મતે BYDનું બેટરી ઇનોવેશન શાનદાર છે. 10 મિનિટની ફાસ્ટ ચાર્જિંગ અને -30 ડિગ્રી સેલ્સિયસ પર પ્રદર્શન શાનદાર છે. પરંતુ જ્યારે આખો ઉદ્યોગ સોફ્ટવેર, AI અને એન્ટરટેઇનમેન્ટ તરફ વળી રહ્યો હોય, ત્યારે માત્ર બેટરીના જોરે આગળ રહેવું મુશ્કેલ બનતું જાય છે. સવાલ એ છે કે શું 'બધું જાતે બનાવો' વાળી વિચારસરણી આ યુગમાં પણ કામ આવશે? BYD એ રણનીતિ બદલી ઘટતા વેચાણ વચ્ચે BYD એ ઉતાવળમાં ઓટોનોમસ ડ્રાઇવિંગ ટેકનોલોજી સંપૂર્ણપણે તૈયાર થાય તે પહેલા જ ઘણા સસ્તા મોડલોમાં ઉતારી દીધી. ઘણા અકસ્માતો થયા. હુઆવેના વરિષ્ઠ અધિકારી યુ ચેંગડોંગે કહ્યું કે, જે ખૂબ સારું અને સુરક્ષિત ઇન્ટેલિજન્ટ ડ્રાઇવિંગ છે, તે બે બિલકુલ અલગ સ્તર છે. આ દબાણમાં વાંગ ચુઆનફુએ કહ્યું કે - BYD પહેલી કંપની હશે જે ઓટોનોમસ ડ્રાઇવિંગ અકસ્માતોથી થતા નુકસાનની ભરપાઈ કરશે. હેડક્વાર્ટરમાં હવે એક નવું પ્રદર્શન થાય છે, ડ્રાઇવર હાથ હટાવીને બેસે છે અને કાર પોતે પાર્કિંગમાં પોતાની જગ્યા નક્કી કરે છે.
Click here to Read more


