ભારતના ચૂંટણી પંચ (ECI)એ સોમવારે રાજ્યસભા અને રાજ્ય વિધાન પરિષદની કુલ 27 બેઠકો માટે ચૂંટણીની તારીખો જાહેર કરી છે. જો મતદાનની જરૂર પડશે તો 18 જૂને વોટિંગ યોજાશે. આ પ્રક્રિયામાં 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી અને મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઓડિશાની ત્રણ બેઠકો માટે પેટાચૂંટણીનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચે બિહાર અને કર્ણાટકની રાજ્ય વિધાન પરિષદની ચૂંટણીઓની પણ જાહેરાત કરી છે. આ ચૂંટણી પ્રક્રિયા માટે 1 જૂનથી ઉમેદવારી નોંધણી શરૂ થઈ ગઈ છે અને સમગ્ર પ્રક્રિયા આ મહિનાના અંત સુધી પૂર્ણ થવાની શક્યતા છે. ક્યાં ક્યાં યોજાશે રાજ્યસભાની ચૂંટણી? ચૂંટણી પંચ મુજબ આંધ્ર પ્રદેશ, ગુજરાત, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મણિપુર, મેઘાલય, રાજસ્થાન, અરુણાચલ પ્રદેશ અને કર્ણાટકની 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી યોજાશે. ઉપરાંત મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઓડિશાની એક-એક રાજ્યસભા બેઠક માટે પેટાચૂંટણી પણ થશે. ચૂંટણી પંચે આ ચૂંટણી માટે રિટર્નિંગ ઓફિસર અને સહાયક રિટર્નિંગ ઓફિસરની નિમણૂક પણ કરી છે, જેના વિગતો ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવી છે. ઉમેદવારો 11 જૂન સુધી નામ પાછું ખેંચી શકશે બિહારમાં વિધાન પરિષદની 9 બેઠકો માટે અને કર્ણાટકમાં 7 બેઠકો માટે ચૂંટણી યોજાશે. બિહારમાં એક વધારાની બેઠક માટે ઉપચૂંટણી પણ યોજાશે. ઉમેદવારી નોંધણી 1 જૂનના રોજ સવારે 11 વાગ્યાથી શરૂ થઈ છે અને 8 જૂન બપોરે 3 વાગ્યા સુધી ચાલશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 9 જૂને થશે અને ઉમેદવારો 11 જૂન સુધી નામ પાછું ખેંચી શકશે. જો ચૂંટણીમાં સ્પર્ધા થાય છે તો 18 જૂને સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે અને તે જ દિવસે સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે. આ જાહેરાત સાથે રાજકીય પક્ષોએ હવે 18 જૂનની ચૂંટણી માટે પોતાની રણનીતિ અને ઉમેદવારોને અંતિમ રૂપ આપવાનું કામ શરૂ કરી દીધું છે.આ પણ વાંચો : CBSE Re-evaluation: લિંક ઓપન ન થતા વિદ્યાર્થીઓ મૂંઝાયા, જાણો ક્યારે થશે હવે લાઇવ?
Click here to Read more