Memory Chip પ્લાન્ટસમાં રોકાણ કરવા માટે કંપનીઓ તૈયાર, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યા સંકેત
2 hours from now
ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડેટા સેન્ટરની વધતી માગ વચ્ચે મેમરી ચિપ ઉત્પાદન ક્ષેત્રે મોટી તક ઊભી થઈ રહી છે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે સંકેત આપ્યા છે કે આગામી સમયમાં અનેક નવી કંપનીઓ ભારતમાં મેમરી ચિપના ઉત્પાદન માટે રોકાણ કરી શકે છે.મેમરી ચિપ્સની માગ રેકોર્ડ સ્તરે પહોંચીતેમણે જણાવ્યું કે વિશ્વભરમાં હાઈ-બેન્ડવિડ્થ મેમરી ચિપ્સની ભારે અછત જોવા મળી રહી છે. ખાસ કરીને AI ડેટા સેન્ટરના ઝડપી વિસ્તરણને કારણે મેમરી ચિપ્સની માગ રેકોર્ડ સ્તરે પહોંચી છે. પરિણામે સપ્લાય અને ડિમાન્ડ વચ્ચે મોટું અંતર સર્જાયું છે, જે ભારત માટે મોટી તક બની શકે છે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર માત્ર નવી કંપનીઓ જ નહીં, પરંતુ હાલ કાર્યરત કંપનીઓ પણ પોતાની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે કામ કરી રહી છે. તેમણે જણાવ્યું કે સરકાર સેમિકન્ડક્ટર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું કે માઈક્રોન ટેક્નોલોજીની પ્રથમ યુનિટે આ વર્ષે 28 ફેબ્રુઆરીથી વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કર્યું છે, જ્યારે બીજી યુનિટમાં 31 માર્ચથી બાંધકામ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. મેમરી ચીપ ક્ષેત્રમાં હજુ પણ વૈશ્વિક સપ્લાય સંકટ યથાવત હોવાથી ભારતમાં વધુ ફેબ અને ATMP યુનિટ સ્થાપિત થવાની સંભાવના છે.ચીપ ડિઝાઈનને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવશેમંત્રીએ વધુમાં જણાવ્યું કે ઈન્ડિયા સેમિકન્ડકટર મિશન 2.0 અંતર્ગત ચીપ ડિઝાઈનને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવશે. સાથે જ સેમિકન્ડક્ટર નિર્માણમાં ઉપયોગી મશીનો, વિશિષ્ટ ગેસ અને જટિલ રસાયણોના સ્થાનિક ઉત્પાદન પર પણ ભાર મૂકવામાં આવશે. ભારતમાં ઉપલબ્ધ ટેક્નિકલ ટેલેન્ટ, મજબૂત વીજ પુરવઠો અને નવીનીકરણીય ઊર્જાની વધતી ક્ષમતા વૈશ્વિક કંપનીઓને આકર્ષી રહી છે. જેના કારણે ડેટા સેન્ટર અને AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પ્રમાણમાં રોકાણ આવી રહ્યું છે અને સેમિકન્ડક્ટર ઉદ્યોગને નવી ગતિ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ પણ વાંચો : Sandesh Explainer : યુદ્ધની સ્થિતિમાં ઈંધણની કટોકરી, જાણો ઈથેનોલ કેવી રીતે બની શકે છે ભારતનું ભવિષ્યનું ઈંધણ?
Click here to Read more