હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસોમાં ગરમી વધુ ભયંકર બનવાની શક્યતા છે. દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સહિતના અનેક વિસ્તારોમાં 24 મે સુધી હીટવેવ અને લૂનો પ્રકોપ યથાવત રહેશે. અનેક શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચી શકે છે. દિલ્હી-રાજસ્થાનમાં અગ્નિવર્ષા જેવી ગરમી રાજસ્થાનના બીકાનેર, ચુરુ અને શ્રીગંગાનગર જેવા વિસ્તારોમાં ગરમ પવનો લોકોનું જીવન મુશ્કેલ બનાવી રહ્યા છે. દિલ્હી-એનસીઆરમાં બપોરના સમયે રસ્તાઓ સૂમસામ દેખાવા લાગ્યા છે. તીવ્ર તડકો અને ગરમ પવનના કારણે હીટ સ્ટ્રોકનો ખતરો વધી ગયો છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બીમાર લોકો માટે આ ગરમી વધુ જોખમી સાબિત થઈ શકે છે. ડોક્ટરો પણ લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપી રહ્યા છે. ગરમ રાતો વધારશે લોકોની મુશ્કેલી હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં માત્ર દિવસ જ નહીં પરંતુ રાત્રિના સમયે પણ ગરમીથી રાહત મળવાની નથી. હવામાન વિભાગ મુજબ અનેક વિસ્તારોમાં “વોર્મ નાઈટ” જેવી સ્થિતિ સર્જાશે, એટલે કે રાત્રે પણ તાપમાન સામાન્ય કરતા ઘણું વધારે રહેશે. જેના કારણે લોકોને ઊંઘવામાં મુશ્કેલી પડશે અને વીજળીની માગમાં પણ ભારે વધારો થઈ શકે છે. MP સહિત અનેક રાજ્યોમાં એલર્ટ, આ સાવચેતી રાખો મધ્ય પ્રદેશના ગ્વાલિયર અને છતરપુર જેવા વિસ્તારોમાં પણ લૂનો પ્રકોપ વધશે. બીજી તરફ બિહાર, ઝારખંડ અને ઓડિશામાં ઉકળાટભરી ગરમી લોકોની પરેશાની વધારશે. જોકે દક્ષિણ ભારત અને પૂર્વોત્તર રાજ્યોના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે લોકોને બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપી છે. વધુમાં વધુ પાણી પીવું, હળવા રંગના કપડાં પહેરવા અને બહાર નીકળતી વખતે માથું ઢાંકવું જરૂરી ગણાવાયું છે. આગામી દિવસોમાં દેશના અનેક ભાગોમાં ગરમી લોકોની કસોટી લેતી જોવા મળશે.
Click here to Read more