આધાર કાર્ડ (Aadhaar Card) ભારતમાં એક અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે માત્ર સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જ નહીં, પણ KYC અને બેંકિંગ કાર્યો માટે પણ અનિવાર્ય છે. શું તમે જાણો છો કે, નવજાત શિશુઓનું પણ આધાર કાર્ડ બને છે? હા, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જે કાર્ડ બનાવવામાં આવે છે તેને 'બાલ આધાર' (Baal Aadhaar) અથવા 'બ્લુ આધાર' (Blue Aadhaar) તરીકે ઓળખવામાં આવે છે. 'બાલ આધાર' શું છે? બાલ આધાર એ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટેનું આધાર કાર્ડ છે. આ કાર્ડ વાદળી રંગનું હોય છે, તેથી તેને 'બ્લુ આધાર' પણ કહેવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ કાર્ડ બનાવતી વખતે બાળકના કોઈપણ બાયોમેટ્રિક ડેટા (Biometric Data) (જેમ કે ફિંગરપ્રિન્ટ્સ કે આંખની કીકી) લેવામાં આવતા નથી. બાળકની UID, તેમની વસ્તી વિષયક માહિતી (Demographic Information) અને તેમના માતા-પિતાના આધાર કાર્ડ સાથે જોડાયેલા ચહેરાના ફોટોગ્રાફના આધારે તૈયાર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, બાળક જ્યારે 5 વર્ષ અને ફરીથી 15 વર્ષનો થાય, ત્યારે તેના બાયોમેટ્રિક ડેટા (દસ આંગળીઓ, આંખની કીકી અને ચહેરાનો ફોટો) અપડેટ કરાવવો ફરજિયાત છે.બાલ આધાર કાર્ડના ફાયદાઓ ઓફિશિયલ ઓળખ: બાળકને સત્તાવાર ઓળખ મળે છે, જે હોટલમાં ચેક-ઇન, પ્રવાસ અને મુસાફરીમાં મદદરૂપ થાય છે. સરકારી યોજનાઓનો લાભ: સબસિડી, હેલ્થકેર અને પોષણ સંબંધિત સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવામાં સરળતા રહે છે. શાળામાં પ્રવેશ: સ્કૂલમાં એડમિશન અને મિડ-ડે મીલ જેવી યોજનાઓ માટે આવશ્યક છે. ડિજિટલ ઓળખ: આ કાર્ડ બાળકને ડિજિટલ ઓળખ અપાવે છે, જે ભવિષ્યમાં PAN કાર્ડ, બેંક ખાતું અને અન્ય નાણાકીય સેવાઓ સાથે જોડાવામાં મદદરૂપ થશે. બાલ આધાર કાર્ડ બનાવવા માટે ઓનલાઈન (UIDAI વેબસાઇટ પર એપોઇન્ટમેન્ટ બુક કરીને) અથવા ઓફલાઇન (નજીકના આધાર સેવા કેન્દ્ર પર જઈને) અરજી કરી શકાય છે. નોંધનીય છે કે, આ કાર્ડ બનાવવાની પ્રક્રિયા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે.
Click here to Read more
