કાલે નહેરૂનો રેકોર્ડ તોડશે નરેન્દ્ર, બંને PMમાં 8 સમાનતા:સંસદમાં મોદીએ કહ્યું હતું- એમની પેઢીમાં નહેરૂ સરનેમ રાખતાં ડરે છે કેમ?; શાહે નહેરૂની ભૂલને 'બ્લન્ડર' ગણાવી'તી
2 hours ago
અમન કા ઝંડા ઇસ ધરતી પે કિસને કહા લહરાને ના પાએ યે ભી કોઈ હિટલર કા હૈ ચેલા, માર લે સાથી, જાને ન પાએ કૉમનવેલ્થ કા દાસ હૈ નહેરુ, માર લે સાથી, જાને ના પાએ મજરૂહ સુલતાનપુરીએ જવાહરલાલ નહેરૂની વિરુદ્ધમાં નઝમ લખી. એની આ પંક્તિઓ છે. નહેરૂની તુલના તેમણે હિટલર સાથે કરી. પછી તો થવાનું હતું એ થયું. મુંબઈ સરકારે તેમની વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું. મજરૂહ ભૂગર્ભમાં ચાલ્યા ગયા અને પોલીસ તેમને પકડી ન શકી. એક દિવસ કોમ્યુનિસ્ટ લેખકો ભેગા થયા. ત્યાં મંચ પર મજરૂહ સુલતાનપુરી હાજર હતા. પોલીસે પકડી લીધા. તેમની મંચ પરથી જ ધરપકડ કરવામાં આવી અને એક વર્ષ સુધી મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા. આ પંક્તિઓ અહીંયા એટલા માટે મૂકી કે, સત્તાધિશો કોઈપણ હોય તેના વિરોધીઓ હોય જ છે. વડાપ્રઘાન જવાહરલાલ નહેરૂ વિશે ઘણું કહેવાતું, એમ નરેન્દ્રભાઈ મોદીના પણ વિરોધીઓ ઘણા છે. પણ ન તો નહેરૂ તેના કામથી વિચલિત થયા, ન તો નરેન્દ્રભાઈ તેમના કામથી વિચલિત થાય છે. વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈએ 12 વર્ષ પૂરાં કર્યા. આમ જુઓ તો જવાહરલાલ નહેરૂ 16 વર્ષ વડાપ્રધાન હતા પણ ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે નહેરૂને પણ 12 વર્ષ થયા હતા. 1952માં લોકસભાની પહેલી ચૂંટણી થઈ. કોંગ્રેસ સત્તામાં આવી. જવાહરલાલ નહેરૂ ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા. ચૂંટાયા પછી એ 4398 દિવસ વડાપ્રધાન પદે રહ્યા. હવે મોદીજી 10 જૂને (આવતીકાલે) 4399 દિવસની સત્તા પૂરી કરે છે. એ હિસાબે મોદી નહેરૂનો 64 વર્ષ જૂનો રેકોર્ડ તોડશે. પંડિત નહેરૂ 15 ઓગસ્ટ 1947 - 13મે-1952 સુધી એટલે 1732 દિવસ સુધી નહેરૂ વડાપ્રધાન તો હતા પણ ચૂંટાયેલા વડાપ્રધાન નહોતા. એ પછી 1951 અને 1952માં લોકસભાની પહેલી ચૂંટણી થઈ. જવાહારલાલ નહેરૂ ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા. તે 13મે 1952થી 27મે 1964 એમ 4398 દિવસ ચૂંટાયેલા લોકતાંત્રિક વડાપ્રધાન રહ્યા. બંને મળીને નહેરૂ કુલ 6130 દિવસ વડાપ્રધાન રહ્યા. મોદી ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે રેકોર્ડ તોડવાના છે. વડાપ્રધાન કોઈપણ હોય, દેશ હિતમાં જ વિચારતા હોય છે. મોદીજીએ ભારતની ઝડપી પ્રગતિ કરી. દુનિયામાં ભારતનો ડંકો વાગી ગયો. જ્યારે જવાહરલાલ નહેરૂ વડાપ્રધાન બન્યા ત્યારે ભારત માત્ર 500 કરોડના બજેટ સાથે ભૂખ, ગરીબી સામે લડી રહ્યું હતું. એ વખતે નહેરૂએ IIT, IIM, AIIMS, ISRO જેવી સંસ્થાઓ ઊભી કરી ભારતને નવી દિશા આપી. બંને વડાપ્રધાનની વૈચારિક સમાનતામાં ભલે અંતર હોય, પણ કેટલીક સામ્યતા જરૂર હતી. બંનેની સાન્યતાની વાત આગળ જાણીશું, પણ એ પહેલાં 1999માં વાજપેયીથી લઈ 2023, 2024, 2025 અને 2026માં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં શું બોલ્યા હતા તે વાતો જાણીએ… સંસદમાં નરેન્દ્ર મોદી નહેરૂ વિશે ક્યારે શું બોલ્યા, તે વાંચો... 8 ફેબ્રુઆરી 2022, લોકસભા આમ તો મોંઘવારી પર કોંગ્રેસના રાજમાં પંડિત નહેરૂજીએ લાલ કિલ્લા પરથી શું કહ્યું, તે કહેવા માગું છું. તમે કહેતા હો છો ને કે હું પંડિતજીનું નામ લેતો નથી. હવે આજે તો નહેરૂજી જ નહેરૂજી... મજા લો તમે... પંડિત નહેરૂજીએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું. આ તે જમાનામાં કહેલું જ્યારે નામ માત્રનું ગ્લોબલાઈઝેશન નહોતું. એમણે કહેલું, ક્યારેક ક્યારેક કોરિયામાં યુદ્ધ આપણને પ્રભાવિત કરે છે. તેના કારણે વસ્તુઓના ભાવ પણ વધી જાય છે. અને આ આપણા કંટ્રોલની બહાર થઈ જાય છે. પંડિતજી આગળ કહે છે, અમેરિકામાં પણ જો કાંઈ થઈ જાય છે તો તેની અસર પણ વસ્તુઓના ભાવ પર પડે છે. (એનાલિસિસ પોઈન્ટ : આ સ્પીચ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. કારણ કે માદીએ નહેરૂની એવું કહીને મજાક ઊડાવી હતી કે અમેરિકામાં કાંઈ થાય તો ભારતમાં અસર થાય, એવું કેવી રીતે બને? હવે અમેરિકાએ ઈરાન સાથે યુદ્ધ કર્યું તેની અસર ભારતમાં ગેસ-પેટ્રોલ-ડીઝલ પર પડી છે. રૂપિયો પણ નબળો પડ્યો છે. મોદીએ છોડેલું વાક્ તીર પાછું ફર્યું છે એટલે આ સ્પીચ વાયરલ થઈ છે.) 9 ફેબ્રુઆરી 2023, રાજ્યસભા મેં એક અખબારમાં વાંચ્યું હતું કે 600 જેટલી યાજનાઓ નહેરૂ- ગાંધી પરિવારોના નામે છે. કોઈ કાર્યક્રમમાં નહેરૂજીના નામનો ઉલ્લેખ ન થાય તો કેટલાક લોકોના વાળ ઊભા થઈ જાય. લોહી ગરમ થઈ જાય. ચાલો, મારાથી ક્યારેક નહેરૂજીનું નામ લેવાનું છૂટી જાય છે. છૂટી જતું હશે તો અમે ઠીક પણ કરી લેશું. કારણ કે એ દેશના પહેલા વડાપ્રધાન હતા. પણ મને એ સમજાતું નથી કે એમની પેઢીની કોઈ વ્યક્તિ નહેરૂ સરનેમ રાખતાં ડરે છે કેમ? નહેરૂ સરનેમ રાખવાથી શેની શરમ આવે છે? એ તો આટલું મોટું વ્યક્તિત્વ હતા. મોદીજીની આ સ્પીચ નીચે આપેલા વીડિયોમાં ક્લિક કરીને સાંભળી શકો છો… (એનાલિસિસ પોઈન્ટ : નહેરૂ અટકના નિવેદન પછી દેશમાં ચર્ચા છેડાઈ હતી. કોંગ્રેસના લોકોએ વિરોધ કર્યો હતો. એ વખતે વિવાદ થયા પછી ભાજપના યુવા મોરચાના નેશનલ સેક્રેટરી તેજિન્દર બગ્ગાએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, જવાહરલાલના કુટુંબની મૂળ અટક કૌલ હતી. તે કાશ્મીરી પંડિત હતા. જવાહરલાલના પૂર્વજ રાજ કૌલને મુઘલ સમ્રાટ ફારૂખસિયાર પાસેથી જમીન મળી હતી. આ જમીન નાહર નામના ગામ પાસે હોવાથી આ કુટુંબ નહેરૂ કહેવાયું. જવાહરલાલે પોતાને કૌલના બદલે નહેરૂ ઉપનામ રાખીને તેને જ અટક બનાવી લીધી. પછી સમય જતાં એવું થયું કે રાહુલ ગાંધીએ તક જોઈને મોદી અટક પર નિશાન સાધ્યું હતું. સભામાં કહી દીધું કે- બધા 'મોદી' ચોર છે. આ ઘટના પછી સુરતના પૂર્વ ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે કેસ કર્યો હતો.) 5 ફેબ્રુઆરી 2024 લોકસભા લાલ કિલ્લા પરથી ભારતના પહેલા વડાપ્રધાન નહેરૂજીએ જે કહ્યું હતું તે વાંચું છું. હિન્દુસ્તાનમાં ઘણી મહેનત કરવાની ટેવ સામાન્ય રીતે નથી. અમે એટલું કામ નથી કરતા જેટલું યુરોપવાળા કે જાપાનવાળા કે ચીનવાળા કે રશિયાવાળા કે અમેરિકાવાળા કરે છે. એ ન સમજતા કે એ કોમ જાદુથી ખુશહાલ થઈ ગઈ. તે મહેનતથી થાય છે ને અક્કલથી થાય છે... હવે, નહેરૂ એ લોકોને સર્ટીફિકેટ આપે છે ને ભારતના લોકોને નીચા બતાવવા માટે. નહેરૂજીની ભારતીયો પ્રત્યે વિચારધારા હતી કે ભારતીયો આળસુ છે. ભારતીય ઓછી બુદ્ધિના હોય છે. નરેન્દ્ર મોદીની આ સ્પીચની ચર્ચા થઈ હતી. પણ ઓલ ઈન્ડિયા રેડિયોએ નહેરૂની એ સ્પીચ સોશિયલ મીડિયામાં મૂકી છે. નહેરૂએ લાલ કિલ્લા પરથી 1959માં શું કહ્યું હતું તે શબ્દશ: વાંચો... હકીકતે નહેરૂએ શું કહ્યું હતું કે, હિન્દુસ્તાનમાં ઘણી મહેનત કરવાની ટેવ સામાન્ય રીતે નથી. આપણો વાંક નથી, ટેવ એવી પડી જાય છે. પણ વાત એમ છે કે આપણે એટલું કામ નથી કરતા જેટલું યુરોપવાળા કે જાપાનવાળા કે ચીનવાળા કે રશિયાવાળા કે અમેરિકાવાળા કરે છે. એ ન વિચારતા કે એ લોકો જાદુથી ખુશહાલ થઈ ગયા છે. એ મહેનતથી અને અક્કલથી ખુશ છે. તો આપણે પણ મહેનત અને અક્કલથી આગળ વધી શકીએ છીએ. બીજો કોઈ રસ્તો નથી. હવે તમે બંને સ્પીચ નીચે આપેલા વીડિયોમાં ક્લિક કરીને સાંભળી શકો છો… પહેલા સાંભળો, વડા પ્રધાન મોદીએ શું કહ્યું હતું… હવે જવાહરલાલ નહેરૂનું 1959નું પ્રવચન સાંભળો… (એનાલિસિસ પોઈન્ટ : નરેન્દ્ર મોદીએ સંસદમાં નહેરૂના પ્રવચનનો તર્ક એવો આપ્યો કે નહેરૂ ભારતીયોને આળસુ ને બુદ્ધિ વગરના માનતા હતા. આ નિવેદનનો પણ વિરોધ થયો અને ઓલ ઈન્ડિયા રેડિયોના આર્કાઈવમાંથી એ નહેરૂજીના પ્રવચનની એ ક્લિપ મળી જેમાં તેમણે ભારતના લોકોને મહેનત કરવા અને બુદ્ધિથી કામ કરવાની સલાહ આપી હતી. નહેરૂજીનો ઈરાદો ભારતના લોકોને આળસુ કે બુદ્ધિ વગરના કહેવાનો નહોતો. પણ અર્થ જે કરવો હોય તે કરી શકાય, એમાં ના નહીં) 7 ફેબ્રુઆરી 2024, રાજ્યસભા હું પંડિત નહેરૂનો ક્વોટ વાંચું છું. નહેરૂ જે કહેતા તે કોંગ્રેસ માટે પથ્થરની લકીર હોય છે. એકવાર નહેરૂજીએ મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો હતો. તેમણે લખેલું હતું- હું કોઈપણ અનામતને પસંદ કરતો નથી. ખાસ કરીને નોકરીમાં અનામત તો ક્યારેય નહીં. હું એવા કોઈપણ પગલાંની વિરૂદ્ધમાં છું જે અકુશળતાને વધારો આપે બેવડા દરજ્જા તરફ લઈ જાય. નહેરૂજી કહેતા હતા કે જો ST, SC, OBCને નોકરીમાં અનામત મળશે તો સરકારી કામનું સ્તર નીચે જશે. એ સમયે નિમણૂક જ રોકી દીધી હતી. ત્યારે નિમણૂક રોકી ન હોત તો ઘણા લોકો આજે પ્રમોશન મેળવીને ક્યાંય ઊંચા પદ પર બેઠા હોત. 29 જુલાઈ 2025, લોકસભા ભારતના હિતોને ગિરવે રાખવા તે કોંગ્રેસની જૂની આદત છે. તેનું સૌથી મોટું ઉદાહરણ સિંધુ જળ સમજૂતી છે. આ સમજૂતી નહેરૂજીએ કરી હતી. ભારતની નદીઓ સાથે જોડાયેલો મામલો હતો. ભારતની નદીઓનું પાણી હતું. આ નદીઓ હજારો વર્ષથી ભારતની વિરાસત રહી છે. સિંધુ નદી જે સદીઓથી ભારતની ઓળખ હતી...પણ નહેરૂજીએ સિંધુ અને જેલમ જેવી નદીઓના વિભાજન માટે નક્કી કરવાનો હક્ક કોને આપી દીધો? વર્લ્ડ બેન્કને આપી દીધો. વર્લ્ડ બેન્ક નક્કી કરે કે કોને શું આપવું છે... નદી આપણી, પાણી આપણું… સિંધુ જળ સમજૂતી સીધી ભારતની અસ્મિતા અને ભારતના સ્વાભિમાન સાથે થયેલો બહુ મોટો વિશ્વાસઘાત હતો. આજના દેશનો યુવાન આ વાત જાણશે તો તેને પણ નવાઈ લાગશે કે આપણો દેશ આવા લોકો ચલાવતા હતા? નહેરૂજીએ શું કર્યું? સિંધુ નદીનું 80% પાણી પાકિસ્તાનને આપી દીધું. આટલું મોટું હિન્દુસ્તાન, તેને માત્ર 20% પાણી... કોઈ મને સમજાવો કે આ કેવી બુદ્ધિમાની હતી? ક્યું દેશહિત હતું, કઈ ડિપ્લોમસી હતી? (એનાલિસિસ પોઈન્ટ : નહેરૂએ સિંધુ જળ સમજૂતી કરી તે યોગ્ય હતી કે નહોતી? તેના પર લાંબો સમય ચર્ચા ચાલી અને આજે પણ આ ચર્ચાનો જ વિષય છે. હકીકત એ છે કે તે સમયે વર્લ્ડ બેન્ક આ સંધિમાં મધ્યસ્થી કરી રહ્યું હતું. કાયદાકીય રીતે પાણીના ઉપલા પ્રવાહમાં રહેલા ભારત માટે આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ પાકિસ્તાન તરફ જતું પાણી રોકવું અશક્ય હતું. બંને દેશોના ભાગલા પછી નહેરોના પાણીને લઈને યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી, જેને શાંત પાડવા આ સંધિ જરૂરી હતી. ત્રીજું, આ કરારથી ભારતને 3 પૂર્વીય નદીઓ સતલજ, બિયાસ, રાવી પર સંપૂર્ણ અધિકાર મળ્યો, જેનાથી પંજાબ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં હરિયાળી ક્રાંતિ શક્ય બની. એક વર્ષ પહેલાં ઓપરેશન સિંદૂર થયું ત્યારથી ભારતે આ સિંધુ જળ સમજૂતી સ્થગિત કરી પાકિસ્તાન તરફનું પાણી રોકી દીધું છે. દુશ્મન દેશને સબક શીખવવા મોદી સરકારનું પગલું પણ બરાબર છે અને સંધિ રદ્દ કરવાની તક પણ.) 8 ડિસેમ્બર 2025, લોકસભા વંદેમાતરમ્ પ્રત્યે મુસ્લિમ લીગની વિરોધની રાજનીતિ વધતી જતી હતી. મોહમ્મદ અલી જિન્નાએ લખનઉથી 15 ઓક્ટોબર 1937એ વંદે માતરમનો વિરોધ વધારે પ્રચંડ કર્યો. પછી કોંગ્રેસના તત્કાલિન અધ્યક્ષ જવાહરલાલ નહેરૂને પોતાનું સિંહાસન ડોલતું દેખાયું. તેમણે મુસ્લિમ લીગના આરોપોનો તગડો જવાબ આપવાના બદલે વંદે માતરમ ગીતની જ પડતાલ શરૂ કરી દીધી. જિન્નાના વિરોધના 5 દિવસ પછી 20 ઓક્ટોબરે નહેરૂએ નેતાજી સુભાષબાબુને લેટર લખ્યો. તેમાં નહેરૂએ લખ્યું હતું કે, વંદે માતરમની આનંદમઠવાળી પૃષ્ઠભૂમિ મુસલમાનોને ઈરિટેડ કરી શકે છે. મેં વંદે માતરમ ગીતનું બેકગ્રાઉન્ડ વાંચ્યું છે. મને લાગે છે કે આ બેકગ્રાઉન્ડ છે તેનાથી મુસ્લિમો ભડકશે. પછી કોંગ્રેસનું સ્ટેટમેન્ટ આવ્યું ને જાહેરાત કરી કે 26 ઓક્ટોબર 1937એ કોંગ્રેસ કમિટિની બેઠક કોલકત્તામાં મળશે. જેમાં વંદે માતરમના ઉપયોગની સમીક્ષા કરવામાં આવશે. આખો દેશ હતપ્રભ હતો. એ મિટિંગમાં કોગ્રેસે વંદે માતરમ્ પર સમજૂતી કરી લીધી. વંદે માતરમના ટુકડા કરી નાખ્યા. આ નિર્ણય પાછળ કારણ એ આપ્યું કે આ તો સામાજિક સદ્દભાવનું કામ છે. કોંગ્રેસે મુસ્લિમ લીગ સામે ઘૂંટણ ટેકવી દીધા. (એનાલિસિસ પોઈન્ટ : બંકિમચંદ્રએ લખેલા વંદે માતરમ્ ગીતમાં ભારતમાતાને દુર્ગાનું પ્રતીક ગણવાને કારણે મુસ્લિમ લીગ અને મુસ્લિમ સમુદાયનો એક વર્ગ ગીતને સ્વિકારે તેવી શક્યતા નહોતી. આ જ કારણસર જવાહરલાલ નહેરુ વંદે માતરમને સ્વતંત્ર ભારતના રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવા તૈયાર નહોતા. નહેરુએ વંદે માતરમ ગીત અંગે રવીન્દ્રનાથ ટાગોર પાસે સલાહ લીધી હતી. રવીન્દ્રનાથે નહેરુને કહ્યું કે વંદે માતરમના પહેલા બે છંદ જ જાહેરમાં ગાવા જોઈએ. ટાગોરની સલાહથી વંદે માતરમ્ ગીત ટૂંકાવી નખાયું.) 5 ફેબ્રુઆરી 2026, રાજ્યસભા દેશના લોકો વિશે નહેરૂજી અને ઈન્દિરાજીના વિચાર શું હતા, તેનું ઉદાહરણ આપું છું. એકવાર ઈન્દિરાજી ઈરાન ગયાં હતાં ને ત્યાં ભાષણ આપતાં હતા. ભાષણમાં તેમણે તેમના પિતાજી નહેરૂ સાથે થયેલા સંવાદની વાત કરી. ઈન્દિરાજીએ ઈરાનમાં કહેલું કે, જ્યારે કોઈએ મારા પિતાજીને એટલે નહેરૂજીને પૂછ્યું કે તેની સામે કેટલી સમસ્યા છે તો તેમણે જવાબ આપ્યો, 35 કરોડ. નહેરૂજીએ જવાબ આપ્યો હતો- 35 કરોડ. તે સમયે આપણા દેશની વસ્તી હતી- 35 કરોડ... 35 કરોડ દેશવાસી નહેરૂજીને સમસ્યા લાગતા હતા. પછી ઈન્દિરાજીએ ભાષણમાં કહ્યું- આજે દેશની વસ્તી 57 કરોડ છે. એટલે મારી સમસ્યાની સંખ્યા પણ એટલી જ મોટી છે. આવા કોઈ વડાપ્રધાન હોય, જે પોતાના જ દેશવાસીઓને સમસ્યા માને? 2018માં ધ ટેલિગ્રાફે પ્રકાશિત કરેલો રિપોર્ટ.. સંસદમાં અમિત શાહ નહેરૂ વિશે ક્યારે શું બોલ્યા, તે વાંચો... 6 ડિસેમ્બર 2023, લોકસભા નહેરૂના સમયમાં બ્લન્ડર થયા હતા, તેના કારણે કાશ્મીરે ભોગવવું પડ્યું. હું જવાબદારી સાથે કહું છું કે, બે મોટી ભૂલો પંડિત જવાહરલાલ નહેરૂના વડાપ્રધાન કાળમાં થઈ. તેમણે લીધેલા નિર્ણયોના કારણે થઈ. તેના કારણે વર્ષો સુધી કાશ્મીરે સહન કરવું પડ્યું. સૌથી મોટી ભૂલ એ હતી કે જ્યારે આપણી સેના જીતી રહી હતી ત્યારે પંજાબનો વિસ્તાર આવતાં જ સીઝફાયર કરી દેવામાં આવ્યું ને તેમાંથી પાક ઓક્યુપાઈડ કાશ્મીરનો જન્મ થયો. સીઝફાયર ત્રણ દિવસ મોડું કર્યું હોત તો આજે PoK ભારતનો ભાગ હોત. કાશ્મીર જીત્યા વગર સીઝફાયર કરી નાખ્યું. બીજી ભૂલ એ હતી કે યુએનમાં આપણે આ મુદ્દાને લઈ ગયા. આ બંને નહેરૂની ભૂલ નહોતી પણ બ્લન્ડર હતું. હવે અમિત શાહનો એ વીડિયો જુઓ, જેમાં તેમણે નહેરૂની બે ભૂલ બ્લન્ડર ગણાવી હતી… (એનાલિસિસ પોઈન્ટ : નહેરૂ ઉતાવળે યુએનમાં કાશ્મીરનો મુદ્દો લઈ ન ગયા હોત ને સેનાને ખુલ્લો દોર આપ્યો હોત તો આખું કાશ્મીર ભારતનું જ હોત. નહેરૂને કાશ્મીરી મુસ્લિમ નેતા શેખ અબ્દુલ્લા સાથે વિશેષ લગાવ હતો. બંનેએ સાથે મળીને ભારતના બંધારણમાં જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 ઉમેરી દીધી. એટલે અમિત શાહે નહેરૂ માટે ભૂલના બદલે બ્લન્ડર શબ્દ વાપર્યો.) 19 જુલાઈ 2025, લોકસભા હું જવાહરલાલ નહેરૂના લેટરને ક્વૉટ કરવા માગું છું. અનૌપચારિક રીતે અમેરિકાએ સૂચન કર્યું કે ચીનને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ લેવામાં આવે પણ સુરક્ષા પરિષદમાં નહીં. સુરક્ષા પરિષદમાં ભારતને લઈ લેવામાં આવે. અમેરિકાના આ પ્રસ્તાવ સામે નહેરૂજીએ જવાબ આપ્યો કે, અમે આને સ્વિકાર નથી કરતા, કારણ કે આનાથી અમારા ચીન સાથેના સંબંધો ખરાબ થશે અને ચીન જેવા મહાન દેશને ખરાબ લાગશે. આજે ચીન સુરક્ષા પરિષદમાં છે અને ભારત બહાર છે. તેનું કારણ જવાહરલાલ નહેરૂનું આ સ્ટેન્ડ છે. 10 ડિસેમ્બર 2025, લોકસભા કોંગ્રેસના લોકો વોટચોરીનો આરોપ લગાવે છે પણ હું બે-ત્રણ ઘટનાની વાત કરવા માગું છું. સૌથી પહેલી વોટચોરીની ઘટના બની આઝાદી પછી તરત. એ વખતે દેશના વડાપ્રધાન નક્કી કરવાના હતા. એ વખતના જેટલા પ્રાંત હતા તેના કોંગ્રેસના અધ્યક્ષોએ વડાપ્રધાન નક્કી કરવાના હતા. તેમના એક-એક વોટથી નક્કી થવાનું હતું. એ વખતે 28 વોટ સરદાર પટેલને મળ્યા ને માત્ર 2 વોટ જવાહરલાલ નહેરૂને મળ્યા. છતાં વડાપ્રધાન કોણ બન્યું? પંડિત જવાહરલાલ નહેરૂ... આ તો કેવું કહેવાય ? (એનાલિસિસ પોઈન્ટ : 25 એપ્રિલ, 1946ના રોજ દિલ્હીમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી ત્યાં સુધીમાં એકેય પ્રાંતની સમિતિએ નહેરુનું નામ સૂચવ્યું નહોતું. એટલે, ગાંધીજીના સાથી આચાર્ય કૃપલાણીએ ‘ગાંધીજીની ઇચ્છા અનુસાર’ નહેરુનું નામ સૂચવ્યું. કૃપલાણીએ નહેરુના નામનો પ્રસ્તાવ મૂક્યો અને એ જ વખતે ગાંધીજીએ સરદારને ઈશારો કર્યો કે તમારું નામ પાછું ખેંચી લો. સરદારે પોતાનું નામ પાછું ખેંચી લેવાના કાગળ પર સહી કરી દીધી. ગાંધી ઈચ્છાથી નહેરૂ કોંગ્રેસના અધ્યક્ષ ને પછી વડાપ્રધાન બન્યા. એ વખતે વોટ ચોરી કરતાં પણ ગાંધીજીની 'ઈચ્છા શક્તિ'નો મુદ્દો વધારે પ્રબળ હતો. આ વાત રાજમોહન ગાંધીએ લખેલું સરદારના જીવનચરિત્ર ‘Patel: A Life’માં લખી છે.) સંસદમાં અટલજી નહેરૂ વિશે ક્યારે શું બોલ્યા, તે વાંચો... 1999, લોકસભા સાઉથ બ્લોકમાં નહેરૂજીનું ચિત્ર લાગેલું રહેતું હતું. હું આવતાં- જતાં જોતો હતો. નહેરૂજી સાથે સદનમાં તણખાં ઝરતાં હતા. હું નવો હતો, સદનમાં પાછળ બેસતો હતો. ક્યારેક ક્યારેક તો હું વોકઆઉટ કરી જતો રહેતો. ધીમે ધીમે મેં જગ્યા બનાવી, આગળ વધ્યો ને જ્યારે વિદેશ મંત્રી બન્યો ત્યારે એક દિવસ મેં જોયું કે સાઉથ બ્લોકની એ દીવાલ પર નહેરૂજીનું ચિત્ર નહોતું. મેં સ્ટાફને પૂછ્યું, આ ચિત્ર ક્યાં ગયું? કોઈ પાસે જવાબ નહોતો. મેં ફરીથી નહેરૂજીનું ચિત્ર એ દીવાલ પર લગાવાની સૂચના આપી. અટલજીએ 1999ની સાલમાં જે પ્રવચન આપ્યું હતું તે નીચેના વીડિયો પર ક્લિક કરીને સાંભળો… વીડિયો ક્રેડિટ : @BrutIndia ભાવનાની કદર હોવી જોઈએ. શું દેશમાં આવી ભાવનાનો માહોલ છે? એવું નહોતું કે નહેરૂજી સાથે મતભેદ નહોતા. મતભેદ ગંભીર રીતે ચર્ચામાં ઉભરીને સામે આવતા હતા. મેં પંડિતજીને એકવાર કહી દીધું હતું કે તમારું મિશ્ર વ્યક્તિત્વ છે. તમારામાં ચર્ચિલ પણ છે ને ચેમ્બર્લેન પણ છે. તે નારાજ ન થયા. સાંજે એક બેન્ક્વેટમાં મુલાકાત થઈ ત્યારે નહેરૂજીએ મને કહ્યું, આજે તો બહુ જોરદાર ભાષણ આપ્યું. એમ કહીને હસતા હસતા ચાલ્યા ગયા. આજકાલ આવી ટીકા કરવી એટલે દુશ્મનીને આમંત્રણ આપવા જેવું છે. લોકો બોલવાનું બંધ કરી દેશે. શું આપણે રાષ્ટ્ર માટે સાથે મળીને કામ ન કરી શકીએ? (એનાલિસિસ પોઈન્ટ : સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા હતી. એકબીજા પ્રત્યે આદર હતો અને તેનું ઉદાહરણ અટલજીની આ સ્પીચ છે. 1999માં અટલજી જે વાક્ય બોલ્યા હતા, તે આજના સંદર્ભમાં બંધ બેસે છે. એટલે અટલજી શ્રેષ્ઠ રાજપુરૂષ જ નહીં, આર્ષદ્રષ્ટા પણ હતા. અટલજીએ કહેલું- આજકાલ આવી ટીકા કરવી એટલે દુશ્મનીને આમંત્રણ આપવા જેવું છે.)
Click here to Read more
