Refugee Crisis:દુનિયાનો દર 70મો નાગરિક બન્યો ઘરવિહોણો,આશરો આપવામાં અમેરિકા અને યુરોપ પાછળ
4 hours from now
સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી એજન્સી (UNHCR) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા અહેવાલ મુજબ, વિશ્વમાં શરણાર્થી સંકટ અત્યંત ગંભીર સ્તરે પહોંચી ગયું છે. હાલમાં દુનિયાભરમાં આશરે 11.78 કરોડ લોકો યુદ્ધ, હિંસા અથવા ઉત્પીડનને કારણે પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે. આ આંકડો દર્શાવે છે કે આજે દુનિયાનો દર 70મો વ્યક્તિ જબરન વિસ્થાપિત થઈ ચૂક્યો છે. આ અહેવાલમાં આશ્ચર્યજનક બાબત એ સામે આવી છે કે આ શરણાર્થીઓનો સૌથી વધુ બોજ એશિયા, આફ્રિકા અને મિડલ ઈસ્ટના દેશો ઉઠાવી રહ્યા છે, જ્યારે માનવાધિકારની મોટી વાતો કરતા પશ્ચિમી દેશો આ જવાબદારીમાંથી પાછળ હટી રહ્યા છે.પશ્ચિમી દેશોની નીતિઓ પર સવાલજો કે યુરોપ હજુ પણ 1.32 કરોડ શરણાર્થીઓ સાથે સૌથી વધુ આશરો આપતા વિસ્તારોમાં સામેલ છે, પરંતુ અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોમાં શરણ લેનારાઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2024માં કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને ફ્રાન્સમાં રેકોર્ડ 1.88 લાખ લોકોએ આશરો લીધો હતો, જે 2025માં ઘટીને માત્ર 81 હજાર થઈ ગયો છે. વર્ષ 2025 દરમિયાન કેનેડામાં 38,800, ઓસ્ટ્રેલિયામાં 18,800, અમેરિકામાં 11,500 અને ફ્રાન્સમાં માત્ર 3,100 વિસ્થાપિતોને શરણ મળી શકી છે.ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષથી સ્થિતિ વધુ વણસીઅહેવાલ અનુસાર, છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર 2025માં વૈશ્વિક વિસ્થાપનમાં 4% નો ઘટાડો નોંધાયો હતો, કારણ કે મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરે પરત ફર્યા હતા. પરંતુ આ રાહત લાંબો સમય ટકી શકી નહીં. માર્ચ 2026માં શરૂ થયેલા અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન સંઘર્ષના કારણે એક નવું સંકટ ઊભું થયું છે. ઈઝરાયેલી હુમલાને કારણે 10 લાખથી વધુ લોકો બેઘર થયા છે, જ્યારે ઈરાનની અંદર જ 32 લાખ લોકો વિસ્થાપિત થયા છે, જેની સીધી અસર લેબેનાન પર પણ પડી છે.વતન પરત ફરનારાઓની સંખ્યામાં વધારોએક સારા સમાચાર એ પણ છે કે વર્ષ 2025માં પોતાના ઘરે પરત ફરનારા લોકોની સંખ્યામાં 2024ની સરખામણીએ 50% નો વધારો થયો છે. કુલ 1.47 કરોડથી વધુ લોકો પોતાના વતન પાછા ફર્યા છે, જેને UNHCRના ઈતિહાસની સૌથી મોટી વાપસી માનવામાં આવે છે. જો કે, એજન્સીએ ચેતવણી આપી છે કે આ લોકો એવા વિસ્તારોમાં પાછા ફરી રહ્યા છે જ્યાં હજી પણ હિંસા અને અસ્થિરતાનો ખતરો છે, તેથી તેમને માત્ર આશરો જ નહીં પણ સુરક્ષા, રોજગાર અને શિક્ષણ આપવું પણ એટલું જ અનિવાર્ય છે.
Click here to Read more