અંતરિક્ષમાં ભારતનું વધુ એક શક્તિ પ્રદર્શન, ISRO ને ગગનયાનના બીજા એર ડ્રોપ ટેસ્ટ મિશનમાં મળી સફળતા
1 month ago
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં ફરી એકવાર પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું છે. ગગનયાન મિશન અંતર્ગત હાથ ધરવામાં આવેલ બીજું સંકલિત એરડ્રોપ પરીક્ષણ (IADT-02) સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ પરીક્ષણની સફળતાએ ભારતને એવા દેશોની હરોળમાં લાવીને ઉભું કરી દીધું છે જેઓ મનુષ્યોને અવકાશમાં મોકલવાની ક્ષમતા ધરાવે છે. કોઈપણ સ્પેસ મિશનની વાસ્તવિક સફળતા માત્ર રોકેટ લોન્ચ કરવા પર નહીં, પરંતુ અવકાશયાત્રીઓને પૃથ્વી પર સુરક્ષિત પરત લાવવા પર નિર્ભર હોય છે. પરીક્ષણની પ્રક્રિયા અને મહત્વ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે આ મહત્વપૂર્ણ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ ટેસ્ટ દરમિયાન, એક ડમી ક્રૂ મોડ્યુલને (જેમાં ભવિષ્યમાં અવકાશયાત્રીઓ બેસશે) હેલિકોપ્ટર કે વિમાન દ્વારા ચોક્કસ ઊંચાઈએથી મુક્ત કરવામાં આવ્યું હતું. અવકાશમાંથી જ્યારે કોઈ યાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે, ત્યારે તેની ઝડપ અતિશય હોય છે. આ ગતિને નિયંત્રિત કરવા માટે અત્યાધુનિક પેરાશૂટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. આ પરીક્ષણમાં પેરાશૂટ નિર્ધારિત સમય મર્યાદામાં સફળતાપૂર્વક ખુલ્યા હતા અને ક્રૂ મોડ્યુલને સુરક્ષિત રીતે ઉતરાણ કરાવ્યું હતું. આત્મનિર્ભર ભારતની નવી ઓળખ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે આ સફળતા બદલ ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ સફળતા માત્ર ગણતરીના દિવસોની મહેનત નથી, પરંતુ મહિનાઓની સખત મહેનત અને ચોકસાઈનું પરિણામ છે. ગગનયાન મિશન એ ભારતની તકનીકી સ્વાયત્તતાનું પ્રતીક છે. આ મિશન સફળ થતાં જ ભારત અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથો એવો દેશ બનશે જે સ્વદેશી ટેકનોલોજી દ્વારા માનવ સંહિત મિશન અવકાશમાં મોકલશે. આ પણ વાંચોઃ Mumbai એરપોર્ટના ટર્મિનલ 1ની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, મચી ગઈ અફરાતફરી
Click here to Read more

